જામનગર શહેરમાં પાણાખાણ વિસ્તારમાં મિત્રની બોલાચાલીનું મનદુ:ખ રાખી ચાર શખ્સોએ બાઈક પર આવી યુવાન ઉપર છરીના જીવલેણ ઘા ઝીંકી હત્યાના પ્રયાસના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતા દેવેન સોનારા નામના યુવકના મિત્ર ભગીરથસિંહને નવાગામમાં રહેતાં રોહિત કોળી સાથે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી ગત તા. 06 ના રોજ રાત્રિના સમયેે પાણાખાણ શેરી નં.4 પાસે દેવેન સોનારા અને વિજયસિંહ કુંવરસિંહ ચુડાસમા નામના બંને મિત્રો ઉભા હતાં તે દરમિયાન રોહિત સદામ શિંગાળા, ગોટલી દરબાર, અજીતસિંહ વાઢેર, રમેશ કંટારીયા નામના ચાર શખ્સોએ બાઈક પર આવીને દેવેન અને વિજયસિંહ ઉપર છરીના આડેધડ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીઆઈ એ.આર. ચૌધરી તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.