Sunday, January 12, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક પુરપાટ જતી મોટરકારની અડફેટે બાઈક સવાર બે મિત્રોના મોત

ખંભાળિયા નજીક પુરપાટ જતી મોટરકારની અડફેટે બાઈક સવાર બે મિત્રોના મોત

સમૂહ લગ્નમાં આવવા નીકળેલા યુવાનોને કાળ આંબી ગયો

- Advertisement -

ખંભાળિયા નજીકના દ્વારકા-જામનગર ધોરીમાર્ગ પર આજરોજ સવારે પુરપાટ જતી એક ઇનોવા કારના ચાલકે સમૂહ લગ્ન પ્રસંગે મોટર સાયકલ મારફતે જઈ રહેલા બે વિપ્ર મિત્રોને અડફેટે લેતા આ બંને યુવાનોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે.

- Advertisement -

આ કરુણ બનાવની વિગત એવી છે કે મૂળ મીઠાપુરના રહીશ અને હાલ જામનગર હાઈવે રોડ ઉપર આવેલી એક ખાનગી કંપનીમાં ફિલ્ડ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કામ કરતા રિશીભાઈ રાજેશભાઈ જોશી નામના 26 વર્ષના યુવાન આજરોજ ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે બ્રાહ્મણ જ્ઞાતિના સમુહ લગ્ન તથા સમૂહ યજ્ઞોપવિત પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે કંપનીમાંથી તેમના જી.જે. 16 એ.એસ. 6262 નંબરના પલ્સર મોટરસાયકલ પર બેસીને સવારે આશરે આઠેક વાગ્યે નીકળ્યા હતા. તેમની સાથે જામનગર ખાતે રહેતા તેમના મિત્ર ભરતભાઈ બુધાભાઈ લુણાવીયા (ઉ.વ. આ. 26) પણ બાઈકમાં સાથે આવવા માટે રવાના થયા હતા.

આજરોજ સવારે આશરે 8:30 વાગ્યે ખંભાળિયા નજીકના દ્વારકા હાઈ-વે માર્ગ પર માર્કેટિંગ યાર્ડ નજીકથી તેઓ ડબલ સવારી મોટરસાયકલમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 37 બી 6858 નંબરની ઈનોવા મોટરકારના ચાલકે રિશીભાઈના પલ્સર મોટર સાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

- Advertisement -

આ જીવલેણ ટક્કરમાં બાઈક સવાર બંને મિત્રો ફંગોળાઈ ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા રિશી રાજેશભાઈ જોશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા ભરતભાઈ લુણાવીયા અને ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.

આ બનાવની કરુણતા તો એ છે કે મૃતક રિશી જોશીની સગાઈ થોડા સમય પૂર્વે અંજાર મુકામે થઈ હતી અને આગામી તારીખ 15 મી ફેબ્રુઆરીના રોજ તેમના લગ્ન પણ નક્કી થયા હતા. લગ્નના વીસેક દિવસ પૂર્વે આશાસ્પદ યુવાનના અકાળે અવસાનના આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદની લાગણી પ્રસરાવી છે. બે વિપ્ર યુવાનોના અકસ્માતે મૃત્યુના આ બનાવથી સમગ્ર બ્રહ્મ સમાજમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતક રિશી જોશીના બનેવી અશોકભાઈ વાલજીભાઈ ત્રિવેદી (ઉ.વ. 36, રહે. મીઠાપુર) ની ફરિયાદ પરથી ઇનોવા કારના ચાલક સામે આઈપીસી કલમ 279, 337, 338, 304(એ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular