ખંભાળિયા તાલુકામાંથી તાજેતરમાં આરાધના ધામ નજીક તથા અને સલાયા એમ બે સ્થળોએથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કુલ ત્રણસો પંદર કરોડની કિંમતનું 63 કિલોથી વધુ માત્રામાં હેરોઈન સહિતનો માદક પદાર્થ કબ્જે કર્યો છે. આ પ્રકરણના પ્રથમ ચરણમાં જિલ્લા પોલીસે મુંબઈના એક તથા સલાયાના બે શખ્સો મળી ત્રણેય શખ્સોની ધરપકડ કરી, આગામી તારીખ 20 સુધી નવ દિવસના રિમાન્ડ પર લીધા છે.
આ ચકચારી પ્રકરણમાં પોલીસે ગઈકાલે સલાયાના વધુ બે શખ્સો સલીમ ઉમર જુસબ જસસાયા (ઉ.વ. 50) અને તેની સાથે ઈરફાન ઉમર જુસબ જસરાયા (ઉ.વ. 34)ની ગઈકાલે7 ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સો સલાયાના ઝડપાયેલા કુખ્યાત કારા બંધુઓ વતી પાકિસ્તાનની બોર્ડર પાસેથી બોટ મારફતે માદક પદાર્થોનો તોતિંગ જથ્થો સલાયા સુધી લઈ આવ્યા હતા. આ બન્ને શખ્સોને આજરોજ બપોરે પોલીસે અહીંની અદાલતમાં રજૂ કરી, ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરતાં નામદાર અદાલતે આ બન્ને શખ્સોના આગામી તારીખ 20મી સુધીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.