જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રીજથી સુભાષબ્રીજ સુધી તેમજ ડીકેવી સર્કલથી શરૂ સેકશન રોડને જોડતાં ડો.ભુવાના બંગલા સુધીના જર્જરિત માર્ગને 2.16 કરોડના ખર્ચે રિ-કાર્પેટ કરવામાં આવશે. સાથે સાથે ડીપીની અમલવારીને પણ મંજૂરી આપવામાં આવી છે. ગુરૂવારે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 7.78 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વોર્ડ નં.11માં કે જયાં ચોમાસા દરમ્યાન પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. ત્યાં રાજમોતી એક થી મોહનનગર થઇ નવનાલાના વોકળા સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને વોટર હાર્વેસ્ટીંગના કામને મંજૂરી આપવામાં આવી છે. આ માટે 1.32 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત જામ્યુકોની જુદી-જુદી ઇમારતોમાં ફાયર ફાઇટીંગ સિસ્ટમ અને ઇક્વિપમેન્ટ બેસાડવામાં આવશે. આ માટે રૂા.1.38 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. વિજળી પડવાને કારણે લાખોટા મ્યૂઝયમની લાઇટીંગ સિસ્ટમના મરામત માટે પણ 22 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. જયારે શહેરના માર્ગો પર ટ્રાફિક લાઇનના પટ્ટા દોરવા માટે 44 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. શહેરમાં નવા નિર્માણ પામેલા જુદાં-જુદાં માર્ગો પર સેન્ટલ લાઇટીંગના કામને પણ મંજૂરી આપવામાં આવી છે.
2022 સુધીમાં શહેરના દરેક ઘર સુધી નળ વાટે પાણી પહોંચાડવાના દાવા વચ્ચે શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવા માટે જામ્યુકો રૂા.57 લાખનો ખર્ચ કરશે. આમ કુલ 7.78 કરોડના જુદાં જુદાં કામો માટેના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. બેઠકના અંતે વારસદાર તરીકે કેટલાંક સફાઇ કામદારોને નિયુક્તિપત્ર પણ આપવામાં આવ્યા હતાં. આ બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યૂટી મેયર તપન પરમાર, કમિશનર વિજયકુમાર ખરાડી, ડે.કમિશનર વસતાણી, આસી.કમિશનર ડાંગર, તેમજ જુદાં જુદાં વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.