રાજકોટના ભાદર નદીના પુલ નજીક બે બાળકો પાટા પર રમી રહ્યા હતા. અને અચાનક ટ્રેનની અડફેટે આવતા બન્નેના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે. પરપ્રાંતીય પરિવારના બે બાળકો રેલ્વે ટ્રેક નજીક રમી રહ્યા હતા ટ્રેન આવતી જોઈને તેઓએ ભાગવાની કોશિશ કરી પરંતુ તેઓ બચી શક્યા નહી.
જેતપુરમાં ભાદર નદીના પુલ પાસે આ ઘટના બની છે.અહીં નજીક આવેલ કારખાનામાં મૂળ બિહારના બે પરિવારો કામ કરે છે. બંને પરપ્રાંતિય પરિવાર સુતા હતા અને તેમના બાળકો રમતા રમતા રેલ્વે પાટા નજીક પહોચ્યા હતા. અને રાજકોટથી સોમનાથ જઈ રહેલ ટ્રેનની અડફેટે આવી જતા આર્યન કુમાર શંભુ પ્રસાદ (ઉ.વ.11) અને દિપુ સિંઘેર મંડલ(ઉ.વ.7) બન્નેના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. તેમજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને બંને બાળકોના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. બાળકોના પરિવારના હૈયાફાટ રુદનથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.