આવતીકાલે શનિવારે જામનગરમાં બબ્બે-બબ્બે મુખ્યમંત્રીઓ જોવા મળશે. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગરની ટૂંકી મુલાકાતે આવી રહયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રોટોકોલના ભાગરૂપે દ્વારકા જઇ રહેલાં ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુને આવકારવા માટે જામનગર આવી રહયા છે. જયારે કેજરીવાલની મુલાકાત રાજકીય છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડુ શનિવારે ભગવાન દ્વારકાધિશના દર્શન માટે આવી રહયા છે. તેમનું વિમાન જામનગર એરફોર્સ સ્ટેશન પર લેન્ડ થશે. ત્યારે તેમને પ્રોટોકોલ મુજબ આવકારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
ઉપરાષ્ટ્રપતિને આવકાર આપી દ્વારકા રવાના કર્યા બાદ મુખ્યમંત્રી જામનગરમાં સોનલનગરમાં મહાપાલિકા દ્વારા નિર્મિત લંમ્પી આઇશોલેશન કમ વેકિસનેશન સેન્ટરની મુલાકાત લઇ કલેકટર કચેરીમાં જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરશે. જેમાં રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલ શિક્ષણમંત્રી જીતુભાઇ પટેલ, રાજયભાઇ મંત્રી બ્રિજેશ મેરજા વગેરે ઉપસ્થિત રહેશે.
બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આગામ વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે બપોરે જામનગરની મુલાકાતે આવી રહયા છે. તેઓ ઓશવાળ સેન્ટરમાં શહેરના વેપારીઓ સાથે સંવાદ કરશે અને જુદી-જુદી સમસ્યાઓ અને પ્રશ્ર્નો અંગે જાણકારી મેળવશે. કેજરીવાલ કોઇ રાજકીય જાહેરાત કરે તેવી પણ સંભાવનાઓ જોવાઇ રહી છે.