જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 58 માં કારખાનામાંથી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.6500 ની કિંમતની 13 નંગ દારૂની બોટલ મળી આવતા એક શખ્સની ધરપકડ કરી હતી અને દારૂની સપ્લાય કરનાર અન્ય એક શખ્સ વિરૂધ્ધ પણ ગુનો નોંધ્યો હતો. જામનગર શહેરમાં પટેલકોલોની પાસેથી એક શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.
આ દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં કલરવ એપાર્ટમેન્ટમાં રહેતા સુનિત જેરામભાઈ ચાન્દ્રાના કારખાનામાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દિગ્વીજય પ્લોટ 58 હિંગળાજ ચોક ખેતલાબાપાના મંદિરની બાજુમાં આવેલ ઓમ ડ્રીંકીંગ વોટર નામના કારખાનામાં રેઈડ દરમિયાન તલાસી લેતા કારખાનામાંથી રૂા.6500 ની કિંમતની 13 નંગ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે સુમિત જેરામ ચાન્દ્રા નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો સપ્લાય કરનાર કમલેશ ઉર્ફે કાનો જયંતી પરમારની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના રાંદલનગર, રાંદલ માતાજીના મંદિરની સામેની ગલ્લીમાં રહેતાં કલુભા ભાવસંગ રાઠોડ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે પટેલ કોલોની શેરી નં.6 પીએનટી કોલોનીના ગેઈટ પાસેથી તલાસી લેતા કલુભા ભાવસંગ રાઠોડ પાસેથી 1000 ની કિંમતની બે નંગ દારૂની બોટલ મળી આવતા પોલીસે કલુભાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.