જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાના નવા બે કેસ નોંધાયા હતાં. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકપણ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
જામનગર શહેરમાં ગઈકાલે 80 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. હાલમાં જામનગર શહેરમાં આઠ દર્દીઓ હોમ આઈસોલેશનમાં તથા એક દર્દી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. જ્યારે બે દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરુવારે ખંભાળિયા સહિત જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં મળી, કોરોનાના કુલ 342 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દરમિયાન ગઈકાલે ગુરુવારે એક પણ નવો પોઝિટિવ દર્દી નોંધાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં છેલ્લા ચાર માસ દરમિયાન કોરોનાના કરવામાં આવેલા કુલ 17751 ટેસ્ટ પૈકી પાંચ પોઝિટિવ કેસ આવ્યા હતા. જે તમામ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે અને એક પણ દર્દી હાલ સારવાર હેઠળ નથી. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ છે. જો કે હાલ કોરોનાનું સંક્રમણ નહીંવત રહેતા તંત્રએ પણ રાહતનો દમ ખેંચ્યો છે.