જામનગરના હાપા રોડ પરના વિસ્તારમાં રહેતાં યુવકના દાદાએ વાહનની લોન લીધી હતી અને દાદાના મૃત્યુ પછી લોન ક્લોઝ કરાવી હોવા છતાં બંધ થઇ ન હોવાથી ફાયનાન્સ પેઢીના ચાર શખ્સોએ મૃતકના પૌત્રને આંતરીને લાકડી અને ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના હાપા રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતાં સ્મિત કાંતિલાલ કણઝારીયા નામના યુવકના દાદાએ જીજે-10 બીબી-0980 નંબરની ટીવીએસ ગાડી લોન પર લીધી હતી અને દાદાના મૃત્યુ બાદ આ લોન ક્લોઝ કરાવી હતી પરંતુ લોન ક્લોઝ કરેલ ન હોવાથી મંગળવારે સાંજના સમયે સ્મિત હાપા રોડ પર લાલાવાડી ચોકની પાછળ હતો તે દરમિયાન આસિફને તેનો મિત્ર સચીન વાઘેર નામના બે શખ્સોએ આવીને સ્મિતના ભાઇ અલ્પેશને ઝાપટ મારી ગાડી કેમ લઇ જવા નથી દેતો? તેમ કહી તેના અન્ય બે મિત્રો જયપાલસિંહ ઝાલા અને નદીમ સૈયદ નામના ચાર શખ્સોએ આવીને સ્મિત તથા તેના ભાઇ અલ્પેશ ઉપર લાકડી અને ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. લાલવાડી ચોકડી પાસે સાંજના સમયે જાહેરમાં હુમલો કરાતાં કોઇએ વિડીયો ઉતારી વાયરલ કરી દીધો હતો. આ હુમલામાં ચાર શખ્સોએ રેંકડીની પેટીનો કાચ તોડી તેમાંથી રૂા. 2000 અને સ્મિતનો 8500ની કિંમતનો મોબાઇલ તથા અલ્પેશનો 9500ની કિંમતનો મોબાઇલમાં નુકસાન કર્યું હતું.
જાહેરમાં કરાયેલા હુમલાનો વિડીયો વાયરલ થતાં પોલીસ એકશનમાં આવી ગઇ હતી અને યુવકના નિવેદનના આધારે ચાર શખસો વિરુધ્ધ ગુનો નોંધી એએસઆઇ કે.પી. જાડેજા તથા સ્ટાફે વધુ તપાસ આરંભી હતી.