જામનગર શહેર-જિલ્લામાં વરસાદી માહોલ જામતો જઇ રહયો છે. જામનગર જિલ્લાના જોડિયામાં પોણા બે ઇંચ, ધ્રોલમાં સવા ઇંચ તથા જામનગર, કાલાવડ, જામજોધપુર અને લાલપુરમાં 1-1 ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જામનગરમાં આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેથી શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જામનગરની સાથે-સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ગઈકાલે સોમવારે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે સાંજે જુદા જુદા તાલુકાઓમાં ધીમીધારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં અઢી ઈંચ (67 મી.મી.), દ્વારકા તાલુકામાં બે ઈંચ (50 મી.મી.), ભાણવડ તાલુકામાં પોણા બે ઈંચ (44 મી.મી.) અને ખંભાળિયામાં એક ઈંચ (24 મી.મી.) વરસાદ છેલ્લા 24 કલાકનો નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર સહિત રાજયભરમાં ચોમાસાનું આગમન થઇ ચૂકયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સટાસટી બોલાવી રહયા છે. જામનગર શહેર-જિલ્લામાં પણ વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ જામતો જોવા મળ્યો છે. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન જોડિયા તાલુકામાં પોણા બે ઇંચ (46 મીમી), ધ્રોલ તાલુકામાં સવા ઇંચ (34 મીમી), વરસાદ સાથે ચોમાસાનો પ્રારંભ થયો છે. આ ઉપરાંત જામનગર, કાલાવડ, લાલપુર તથા જામજોધપુર તાલુકામાં પણ છેલ્લા 24 કલાકમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો. શહેર-જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો જામનગર તાલુકાના વસઇમાં અડધો ઇંચ (11 મીમી), લાખાબાવળમાં અડધો ઇંચ (1ર મીમી), મોટી બાણુંગારમાં પોણા બે ઇંચ, ફલ્લામાં 1 ઇચ, જામવથલીમાં 1 ઇંચ, મોટીભલસાણમાં દોઢ ઇંચ, અલિયાબાડામાં પોણો ઇંચ, દરેડમાં 8મીમી, જોડિયા તાલુકાના હડિયાણામાં 4 મીમી, બાલંભામાં 10 મીમી, પીઠડમાં રપ મીમી, ધ્રોલ તાલુકાના લતીપુરમાં દોઢ ઇંચ, કાલાવડ તાલુકાના નિકાવા તથા ખરેડીમાં પોણો-પોણો ઇંચ, મોટા વડાળામાં 1 ઇંચ, ભલસાણ બેરાજામાં દોઢ ઇંચ, નવાગામમાં 1 ઇંચ, મોટાપાંચ દેવડામાં દોઢ ઇંચ, જામજોધપુર તાલુકાના સમાણામાં 1 ઇંચ, શેઠવડાળામાં પોણો ઇંચ, જામવાડીમાં દોઢ ઇંચ, વાસજાળિયામાં દોઢ ઇંચ, ધુનડા, ધ્રાફા અને પરડવામાં 1-1 ઇંચ, લાલપુર તાલુકાના પીપરટોડામાં અડધો ઇંચ, પડાણામાં 10 મીમી, ભણગોરમાં અડધો ઇંચ, મોટા ખડબામાં 7 મીમી, મોડપરમાં 9 મીમી, હરિપરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઇ હતી અને ખેડૂતોએ વાવણીનું કાર્ય શરૂ કર્યુ હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના સલાયા પટ્ટીના ગામો બારા, પરોડીયા તેમજ સલાયામાં સોમવારે નોંધપાત્ર વરસાદ વરસી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. ગઈકાલે જિલ્લામાં સાર્વત્રિક અને મોસમના પહેલા વરસાદથી નગરજનો ખુશખુશાલ થયા હતા અને અબાલ-વૃદ્ધ સૌ કોઈએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી.
ખંભાળિયા સહિત જિલ્લામાં સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જો કે ગત સાંજે જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઈ જતા નગરજનો હાલાકીમાં મુકાયા હતા. પ્રથમ વરસાદના પગલે વરસાદી જીવાતથી લોકો ત્રસ્ત બન્યા હતા.
જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. ખેતરો માટે કાચા સોના જેવા આ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. આજે મંગળવારે પણ હળવા અમી છાંટણા સાથે વરસાદી માહોલ બરકરાર રહ્યો છે અને વધુ વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


