જામનગર જિલ્લામાં ગત ચોમાસામાં વિક્રમી વરસાદથી જામનગર જિલ્લાના માર્ગોનું ભારે ઘોવાણ થયું હતું. ખાસ કરીને જામનગર-લાલપુર-પોરબંદર હાઇ-વે ભારે ઉબડ-ખાબડ બન્યો હતો. તંત્રએ થીગડામારીને કામ ચલાવ્યું હતું. પરંતુ રસ્તાની હાલત ખાસ કંઇ સુધરી નથી. જે અંગે રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) ધનરાજ નથવાણીએ ટવીટ્ કરીને તેમજ ટવીટ્ નાયબ મુખ્યમંત્રી, જામનગરના બન્ને મંત્રીઓ, સાંસદ તેમજ કલેકટરને ટેગ કરીને હજારો લોકોની વ્યથાને વાચા આપી છે. ગત ચોમાસા બાદ લાંબા સમય સુધી જામનગર-લાલપુર વચ્ચેનો 35 કી.મી. લંબાઇનો હાઇ-વે ભારે ક્ષતિગ્રસ્ત થયો હતો. જેને કારણે પોરબંદર-ભાણવડ-લાલપુર તરફથી આવતા જતાં વાહન ચાલકોને ખાસ કરીને એમ્બ્યુલન્સમાં આવતા જતાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી છે. ખુબ જ ફરિયાદો ઉઠતા માર્ગ-મકાન વિભાગ દ્વારા થીગડા છાપ રીપેરીંગ કરવામાં આવ્યું હતું. હવે મહિનાઓ બાદ પણ રસ્તાની પરિસ્થિતિ ખરાબ જ રહેતા રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ(કોર્પોરેટ અફેર્સ)એ પ્લીઝ ઇમ્પ્રુવ જામનગર-લાલપુર રોડ ઇટ ઇઝ ઇન વર્સ્ટ ક્ધડીશન તેવું ટવીટ્ કરીને તે લખાણ નાયબ મુખ્યમંત્રી અને માર્ગ પરિવહન મંત્રી નિતિનભાઇ પટેલ, જામનગરના બંન્ને ધારાસભ્ય એવા કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા,સાંસદ પુનમબેન માડમ તેમજ કલેકટર રવિશંકરને ટેગ કર્યું હતું. તેઓએ આ ટવીટ્ દ્વારા હજારો લોકોની વ્યથાને વાચા આપી છે. લાલપુર-જામનગર વચ્ચેનો માર્ગ બિસ્માર હોવાથી ચોમાસા બાદ લાંબા સમય સુધી વાહન ચાલકો પરેશાન રહ્યા હતા. તંત્ર દ્વારા થીગડા મારીને માર્ગ સુધારણા કરવામાં આવી છે. પરંતુ તેનાથી લોકોની પરેશાની દુર નથી થઇ. જેને રિલાયન્સ ગ્રુપ પ્રેસીડેન્ટની ટવીટ્ દ્વારા વાચા મળી છે.