જમ્મુ-શ્રીનગર હાઇવે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ ધરાશાયી બનતા 10થી વધુ મજૂરો દટાઈ ગયા હતા અને મોટાપાયે રાહત-બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર રામબન નજીક મેકરકોટ પાસે નવા બની રહેલા પૂલની ટનલનો એક ભાગ આજે વ્હેલી સવારે ધરાશાયી થયો હતો. મજૂરો કામગીરી કરી રહ્યા હતા તેવા સમયે જ કાટમાળ ધસી પડતા 10થી વધુ મજુરો દટાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ સહિતના સરકારી વિભાગોના અધિકારીઓ પહોંચી ગયા હતા અને મોટાપાયે રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્રસિંહે પણ આ ઘટના વિશે રિપોર્ટ મેળવ્યો હતો. તેઓએ જણાવ્યું કે સ્થાનિક કલેક્ટર સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 10 મજૂરો કાટમાળ હેઠળ દટાયા છે અને અન્ય બેને બચાવી લેવામાં આવ્યા છે. આ બંને મજૂરો ઘાયલ થયા છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બચાવ કામગીરી માટે સૈન્યની મદદ પણ લેવામાં આવી છે. સત્તાવાર સુત્રોએ કહ્યું કે પૂલનું ઓડીટ ચાલી રહ્યું હતું તે સમયે જ આ દુર્ઘટના સર્જાઇ હતી. ઓડીટ કરતી કંપનીના માણસો જ તેમાં દટાયા છે. આ વખતે બુલડોઝર, ટ્રક, મશીન સહિતની સામગ્રી પણ તૈનાત હતી તેને પણ ઘણું નુકશાન થયું છે.