અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારતને આપેલી વધુ ટેરીફ ઝીંકવાની ધમકીનો આજે અમલ કર્યો છે. તેમણે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે આ સાથે જ ભારતથી અમેરિકામાં આયાત થતા માલ પર કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. નવા ટેરિફ દરની અમલવારી 27 ઓગસ્ટથી થશે. આમ ડિલ માટે વધુ 20 દિવસનો સમય આપ્યો છે ત્યારે ટ્રમ્પની આ જાહેરાતની ભારતીય શેરબજાર પર આવતીકાલે વિપરીત અસર જોવા મળી શકે છે. ભારત તરફથી હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ટ્રમ્પે એક દિવસ પહેલા કહ્યું હતું કે ભારત સારો વેપારી ભાગીદાર નથી અને જાહેરાત કરી હતી કે તેઓ આગામી 24 કલાકમાં નવી દિલ્હી પર ‘ખૂબ જ નોંધપાત્ર’ ટેરિફ વધારશે કારણ કે તે રશિયન તેલ ખરીદી રહ્યું છે. ટ્રમ્પે નવી દિલ્હી પર રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધને ‘નાણાકીય સહાય’ આપવાનો આરોપ મૂક્યો છે.
1 ઓગસ્ટના રોજ, ટ્રમ્પે ‘ફર્ધર મોડીફાયિંગ ધ રેસિપ્રોકલ ટેરિફ રેટ્સ’ નામના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં પાંચ ડઝનથી વધુ દેશો માટે ટેરિફમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં ભારત માટે 25 ટકાનો ભારે ટેરિફનો સમાવેશ થાય છે. જોકે, એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં તે ‘દંડ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જે ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે રશિયન લશ્કરી સાધનો અને ઉર્જા ખરીદવાને કારણે ચૂકવવો પડશે.


