પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી અંગેના વિવાદ બાદ માલદીવ્સની મુશ્કેલી વધી ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલય તરફથી માલદીવ્સના રાજદ્વારીને સમન્સ પાઠવીને બોલાવાયા હતા. ઉલ્લેખનીય છે કે માલદીવ્સના ત્રણ મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.
માલદીવ્સના સાંસદોએ પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસની ટીકા કરી હતી અને કહ્યું હતું કે નવી દિલ્હી દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશને હવે માલદીવના વૈકલ્પિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે તેમની ટિપ્પણી બાદ ભારતના લોકો વિફર્યા હતા અને તેમણે ધડાધડ માલદીવ્સના પેકેજ રદ કરવાનું અભિયાન ચલાવી દીધું હતું. જેના લીધે એકાએક માલદીવ્સમાં હડકંપ મચી ગયો હતો. ભારતીયોના આકરા વલણથી ઘૂંટણીયે પડી ગયેલી માલદીવ્સ સરકારના પ્રવક્તા મંત્રી ઈબ્રાહિમ ખલીલે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, માલદીવ સરકાર વિદેશી નેતાઓ અને ઉચ્ચ પદ ધરાવતા લોકો વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપમાનજનક ટીપ્પણીથી માહિતગાર છે. આ ટીપ્પણી કરનારાના નેતાઓના મત વ્યક્તિગત છે અને તે માલદિવ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ નથી કરતા. માલદીવ્સ સરકાર માને છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકતાંત્રિક અને જવાબદાર હોવી જોઈએ. તેનાથી કોઈ પણ પ્રકારની ધૃણા, નકારાત્મક્તા ના ફેલાવી જોઈએ. સાથે જ તેનાથી માલદીવ્સ અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો વચ્ચે નજીકના સંબંધોમાં અવરોધ ઊભા થવા જોઈએ નહીં.