દેશમાં મોસમનો ત્રેવડો માર પડી રહ્યો છે. જુદા-જુદા વિસ્તારોમાં ભીષણ ગરમી તોફાની ચક્રવાત અને ભારે વરસાદ કહેર મચાવી રહયા છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ડામાડોળ બની રહેલાં હવામાનનો આ વધુ પુરાવો જોવા મળી રહ્યો છે. દેશના પશ્ર્ચિમ અને ઉત્તર મધ્યના વિસ્તારોમાં ભારે હિટવેવને કારણે લોકો ત્રાહિમામ
પોકારી ગયા છે. મેઘાલયમાં ફૂંકાયેલા ચક્રવાતી વાવાઝોડાએ 47 જેટલાં ગામમાં 1000થી વધુ ઘરોને નુકસાન પહોંચાડયું છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જયારે વિજળી પડવાથી એક વ્યકિતનું મોત નિપજયું છે. દરમ્યાન હવામાન વિભાગે મેઘાલય સહિત પૂર્વોત્તરના રાજયોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. જયારે પશ્ચિમ રાજયોમાં હિટવેવ યથાવત રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં ગુરુવારે આવેલા ચક્રવાતી વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. અત્યારસુધીમાં આ વાવાઝોડાએ 47 ગામમાં 1000થી વધુ મકાનોને નુકસાન પહોંચાડ્યું છે. ઘણા લોકો બેઘર બની ગયા છે. અવિરત વરસાદને કારણે સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. મળતી માહિતી મુજબ, મેઘાલયમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ ભારે પવન સાથેના વાવાઝોડા બાદ હવે વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો છે. જોકે હજુ સુધી આ વાવાઝોડામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ સાથે પશ્ચિમ ગારો પર્વત, દક્ષિણ પશ્ચિમ ખાસી પર્વત અને પૂર્વ જૈંતિયા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગએ આગામી 5 દિવસ સુધી દેશનાં પૂર્વોત્તર રાજ્યો સહિત પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. કર્ણાટકના મોટાભાગના વિસ્તારોમાં ગુરૂવારે ભારે વરસાદ થયો છે. રાજધાની બેંગલુરૂમાં વરસાદના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે પરંતુ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.
અહેવાલ મુજબ વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. શહેરના અનેક વિસ્તારમાં વૃક્ષો પડી ગયા હતા. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન વધુ વરસાદની આગાહી કરી છે. બેંગલુરૂની નાગરિક સંસ્થા અને ફાયર વિભાગે પાણી ભરાયેલા વિસ્તારોમાં ઈમરજન્સી ઓપરેશન શરૂ કર્યું છે.