વર્લ્ડ પાવર લિફટીંગ ચેમ્પીયન કર્ણદેવસિંહ જાડેજા દ્વારા સન્યાસ લેવાની જાહેરાત કરાઇ હતી. જેના ભાગરૂપે આજરોજ સન્યાસ ગ્રહણના પ્રસંગે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનો જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
વર્લ્ડ પાવર લિફટીંગ ચેમ્પીયન અને કર્ણ ધર્મ ફાઉન્ડેશનના ચેરમેન મૂળ સેવકધુણિયા હાલ જામનગરના કર્ણદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા દ્વારા સન્યાસ ગ્રહણ કરવા નિર્ધાર કરવામાં આવ્યો હતો. સાંસારિક જીવનનો ત્યાગ કરી સન્યાસ ગ્રહણ કરતા કર્ણદેવસિંહ જાડેજાના સન્યાસ ગ્રહણના પ્રસંગે આજરોજ ગુર્જર સુથર જ્ઞાતિની વાડી ગાંધીનગર મેઇન રોડ, જામનગર ખાતે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કારતક વદ સાતમના જામનગર જિલ્લાના અને સૌરાષ્ટ્રભરના સાધુ-સંતો, મહંતોની ઉપસ્થિતિમાં કર્ણદેવસિંહએ સન્યાસ ગ્રહણ કર્યો હતો. આજે સવારે દેવસ્થાપન, પૂજા વિધિ, અગ્નિસ્થાપના, સંતો-મહંતોનું પૂજન તથા આશિર્વચન તેમજ યજ્ઞ અને મહાઆરતી બાદ સન્યાસ ગ્રહણ કરતા કર્ણદેવસિંહનો વિદાય સમારંભ બપોરે 3 વાગ્યે હતો. આ સન્યાસગ્રહણ પ્રસંગે યોજાયેલ હોમાત્મક લઘુરૂદ્રમાં સાધુ-સંતોની સાથે-સાથે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય તથા જામનગરની ત્રણ વિધાનસભાના ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં.