જામનગરના હાપા વિસ્તારમાં વિદ્યાર્થિનીને શાળામાં તેના બેગમાંથી મોબાઇલફોન મળી આવતા આ બાબતે શિક્ષક તેના પિતાને જાણ કરી દેશે તેવા ડરના કારણે વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ધો.9 ની વિદ્યાર્થિનીના આપઘાતના કરૂણજનક બનાવથી અરેરાટી ફેલાઈ ગઇ છે.

આ બનાવની વિગત મુજબ, જામનગર નજીક હાપા જવાહરનગર રામદેવજી પીરના મંદિર પાસે રહેતાં અને મજૂરી કામ કરતા રમેશભાઈ વાલજીભાઈ સોયગામાની 15 વર્ષની પુત્રી દિક્ષીતા રમેશભાઈ સોયગામા ધુંવાવ ગામે આવેલી ક્ધયા શાળામાં ધો.9 માં અભ્યાસ કરતી હોય. વિદ્યાર્થિની પોતાના સ્કુલબેગ લઇને સ્કુલે પહોંચી હતી ત્યારે તેના બેગમાંથી બે નંગ મોબાઇલ ફોન મળી આવ્યા હતાં. શાળામાં મોબાઇલ ફોન લાવવાની મનાઈ હોય તેમ છતાં એક સાથે બે મોબાઇલ ફોન મળી આવતા શિક્ષક ચોંકી ગયા હતાં. જેથી દિક્ષીતાએ શિક્ષકને જણાવ્યું હતું કે આ અંગે મારા પિતા તથા મારા દાદીને જાણ ન કરતા. તે મને માર મારશે.
આથી આ અંગે હજુ સુધી શિક્ષકે વિદ્યાર્થિનીના પિતાને જાણ કરી ન હતી. પરંતુ, વિદ્યાર્થિનીની ડરી ગઈ હતી. અને આ બાબતનું મનમાં લાગી આવતા વિદ્યાર્થિનીએ તા.22 ના રોજ સાંજના સમયે પોતાના ઘરની ઓસરીમાં સાડી વડે એંગલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થિનીના પિતાએ આ અંગે પંચ એ પોલીસને જાણ કરતા પ્રો. પીએસઆઈ એ.આર. પરમાર સહિતનો સ્ટાફ દોડી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.