Tuesday, September 17, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના કેશોદ ગામે કરુણાંતિકા: તળાવમાં ડૂબી જતાં નાના ભાઈ-બહેનના કરુણ મૃત્યુ

ખંભાળિયાના કેશોદ ગામે કરુણાંતિકા: તળાવમાં ડૂબી જતાં નાના ભાઈ-બહેનના કરુણ મૃત્યુ

રક્ષાબંધન પૂર્વે ભાઈ-બહેનના અપમૃત્યુના બનાવથી ભારે અરેરાટી

- Advertisement -
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે આવેલા પાણી ભરેલા એક તળાવમાં ડૂબી જતા આજરોજ માલધારી પરિવારના બે નાના બાળકો (ભાઈ-બહેન)ના મૃત્યુ નિપજ્યાના બનાવથી ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.
આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – પોરબંદર માર્ગ પર અત્રેથી આશરે 12 કિલોમીટર દૂર આવેલા કેશોદ ગામે રહેતા અને ભેંસ, બકરા ચરાવીને ગુજરાન ચલાવતા માલધારી એવા ભાયાભાઈ ટોયટા નામના એક ભરવાડ યુવાનના ઘેર મહેમાન આવ્યા હોય, જેથી તેઓ આજે સવારના સમયે ઘરેથી બહાર નીકળ્યા હતા.
આજરોજ પતેતીની રજા હોવાથી ઘરે રહેલા ભાયાભાઈના ત્રણ સંતાનો પૈકી આશરે 11 વર્ષની પુત્રી જીવતી તથા 8 વર્ષનો પુત્ર નાયા પોતાના ઘરેથી કહ્યા વગર તેમના ઘરથી થોડે જ દૂર આવેલા પાણી ભરેલા તળાવમાં નહાવા પડ્યા હતા. પરંતુ ઊંડા તળાવના પાણીમાં આ બંને ભાઈ-બહેન થોડીવારમાં જ ગારદ થઈ ગયા હતા. આ બનાવ જોતા અન્ય બાળકોએ દોડીને તેઓના પરિવારજનોને જાણ કરી હતી. જેથી આ બાળકોના પરિવારજનો તેમજ ગામમાં રહેતા તરવૈયાઓએ પાણીમાં વ્યાપક શોધખોળ કર્યા બાદ આશરે અડધો-પોણો કલાકની જહેમત બાદ ભાઈ નાયા તથા બહેન જીવતીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.
આ બંને બાળકોના મૃતદેહને પી.એમ. અર્થે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ ભરવાડ પરિવારના ત્રણ પૈકી બે સંતાનોના મૃત્યુ નીપજતા હવે નવ વર્ષનો એક બાળક રહ્યો છે. રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભરવાડ પરિવારના ભાઈ-બહેનના અપમૃત્યુના આ બનાવથી ભરવાડ પરિવાર સાથે નાના એવા કેશોદ ગામમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular