દ્વારકા તાલુકાના ગોરીંજા ગામના વાડી વિસ્તારમાં રહેતા ધર્મેશભા જેઠાભા બઠીયા નામનો 22 વર્ષનો હિન્દુ વાઘેર યુવાન ગત તા. 17 મીના રોજ રાત્રીના આશરે સવા વાગ્યાના સમયે બરડીયા ગામ નજીક આવેલા ઓવર બ્રિજ પાસે માર્ગ પરથી પોતાના જીજે-10-સીસી-0199 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે-10-બીજી-8591 નંબરના ટ્રેક્ટરના ચાલક વનરાજભા નંઢાભા માણેક (રહે. બરડીયા) એ ધર્મેશભાના મોટરસાયકલ ધડાકાભેર સાથે અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં ધર્મેશભાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે આ અકસ્માતમાં કિશનભા અને કાનાભા નામના અન્ય યુવાનોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જી, આરોપી ટ્રેક્ટર ચાલક નાસી છુટયો હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ શિવુભા જેઠાભા બઠીયા (ઉ.વ. 24) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ટ્રેક્ટર ચાલક વનરાજભા સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 304(એ) તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.