રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા જીઆઈડીસી પાસે ST બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારચાલકના બે ટુકડા થઇ ગયા હતા. મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના વિધાર્થીઓ હતા. ત્રણના તો ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. બસમાં સવાર મે મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા છે.
કાલાવડના વાજડી નજીક આ અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને રોંગ સાઈડમાં ધસી આવેલી જીજે૩કેસી ૮૪૭૫ નંબરની કાર ધડાકાભેર બસ સાથે અથડાતા કારનું પડીકું વળી ગયું હતું. બસના આગળના ભાગે કાર ઘુસી જતા JCBની મદદ લેવી પડી હતી.
નિશાંત દાવડા,આદર્શ ગોસ્વામી અને ધ્રાંગધરિયા ફોરમ ત્રણે વિદ્યાર્થીઓ તેમજ મહાનગરપાલિકા સાથે ફરજ પર રહેલા મહિલા તબીબસિમરન ગિલાની અને ડૉ. કૃપાલી ગજજર કાલાવાડ રોડ સ્થિત ખીરસરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા અને પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાંથી ત્રણે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. અને સિમરન ગિલાનીનું સારવાર દરમીયાન મૃત્યુ થયું છે. અને ડૉ. કૃપાલી ગજજર હાલ સારવાર હેઠળ છે. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી. મૃતકોના પરિવારજનોને આ અંગે જાણ થતાં કલ્પાંત સર્જાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ બસ રાજકોટથી રણુજા તરફ જઈ રહી હતી અને ખીરસરા તરફથી આવી રહેલી કાર અચાનક ડિવાઈડર સાથે અથડાતા ડીવાઈડર કુદીને બસના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત પગલે હાઇવે પર એક તરફ રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં અને પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.