જામનગર શહેર અને જિલ્લામાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં પોલીસ તંત્ર વ્યસ્ત છે. ત્યારે તસ્કરો બે-રોકટોક અને બે-ખોફ બની ગયા છે. પોલીસના ભય વગર એક પછી એક મકાનોમાં ચોરીના બનાવો બની રહ્યાં છે. શહેરમાં બનતાં ચોરીના બનાવોથી શહેરીજનોમાં ભય ફેલાઇ ગયો છે. શહેરના અંબાવિજય સોસાયટીમાં નિવૃત્ત વૃધ્ધના મકાનમાંથી તસ્કરો અડધા લાખની માલમત્તા ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જામનગર શહેર અને જિલ્લાની પાંચ સહિત રાજ્યની 89 બેઠકો માટે તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે થાય તેવા હેતુથી કલેકટર અને પોલીસ અધિક્ષક દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે દિશામાં કામગીરી કરી રહ્યાં છે. જો કે, પોલીસની વ્યસ્તતાનો ગેરલાભ તસ્કરો ઉઠાવી રહ્યાં છે. છેલ્લા બે સપ્તાહથી શહેર અને જિલ્લામાં તસ્કરોનો રંજાડ ગંભીર રીતે વધી રહ્યો છે. પોલીસનો ભય ન હોય તેમ એક પછી એક મકાનોમાં ચોરીની ઘટનાઓ બનતી જાય છે. શહેરમાં વધતા જતાં ચોરીના બનાવોથી લોકોમાં ભયની સાથે ફફડાટ પણ ફેલાઇ ગયો છે. વધુ એક ચોરીના બનાવમાં જામનગરના અંબાવિજય સોસાયટીમાં બ્લોક નં. 48-બીમાં રહેતા કાંતિલાલ ભાઇશંકરભાઇ મોખા (ઉ.વ.67) નામના નિવૃત્ત વૃધ્ધના સાત દિવસ બંધ રહેલા મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં રહેલા કબાટના ખાનામાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા. 52000ની માલમત્તાની ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિપ્ર વૃધ્ધ દ્વારા જાણ કરાતાં પીએસઆઇ આર.પી. અસારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરી ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂં મેળવવા તપાસ આરંભી હતી. ઉલ્લેખનિય છે કે, શહેર અને જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી ચોરીની અવિરત ઘટનાઓ બની રહી છે. જેમાં મોમાઇનગરમાં એક સાથે ચાર મકાનોના તાળા તૂટયા હતાં. તેમજ પંચવટી વિસ્તાર, સેતાવાડ, અંબાવિજય એમ એક પછી એક વિસ્તારોમાં બંધ મકાનોને જ ખાસ કરીને ટાર્ગેટ બનાવવામાં આવે છે. પોલીસ એક ચોરી ડિટેકટ કરી ત્યાં બીજી ચોરી નોંધાઇ જાય છે. પરંતુ હાલમાં થયેલી એક પણ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી નથી.