જામજોધપુર ગામના દોઢીયાવાડી વિસ્તારમાં આવેલી મીની ઓઇલ મીલની ઓફિસનું શટર ઉંચકાવી તેમાંથી રૂા.19 હજારની રોકડ અને બાજુમાં આવેલી ડેરીમાંથી રૂા.4 હજારની રોકડની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા સતત જહેમત ઉઠાવ્યા બાદ પણ ચોરીના બનાવો અટકવાનું નામ નથી લેતા. પોલીસ એક પછી એક ચોરીનો ભેદ ઉકેલતી જાય છે. પરંતુ તેની સામે રોજ નવા નવા ચોરીના બનાવો વધતા જાય છે. દરમિયાન જામજોધપુરના દોઢીયાવાડી વિસ્તારમાં મીરા પાર્ક પાસે આવેલી શ્યામ પ્રોડકટ નામની મીની ઓઇલમીલમાં તસ્કરો ત્રાટકયા હતાં અને ઓફિસનું શટર ઉંચકાવી અંદર પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલી રૂા.19 હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. તેમજ બાજુમાં આવેલી રાજુભાઈ ખાંટની બજરંગ ડેરીની ઓફિસના તાળા તોડી ખાનામાં રાખેલા રૂા.4 હજારના પરચુરણ મળી કુલ બે દુકાનોમાંથી રૂા.23 હજારની ચોરી કરી નાશી ગયા હતાં.
આ બનાવ અંગેની ઓઇલ મીલના માલિક રૂપેશભાઈ ઘરસંડીયા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ.બી.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરી તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.