જામનગર પોલીસે નિયમોનુ ઉલ્લંઘન કરનાર અને પાનના ગલ્લાઓ સહિત જાહેર જગ્યાઓ પર બિનજરૂરી બેસનારાઓ સામે જામનગર પોલીસે લાલ આંખ કરી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડાની સુચનાથી પીએસઆઇ ભગીરથસિંહ વાળા સહિતના સ્ટાફ દ્વારા શહેરના ઓશવાળ હોસ્પીટલ સર્કલ નજીક, એસ.ટી.બસ ડેપો રોડ, ખંભાળિયા ગેટ વિસ્તાર, હવાઇ ચોક વિસ્તારમાં ‘ટ્રાફિક ડ્રાઇવ’ સાથે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. છેલ્લા બે સપ્તાહથી રાજ્ય સહિત જામનગરમાં પણ પોલીસ દ્વારા ‘ટ્રાફિક ડ્રાઇવ’ ચલાવી વાહન ચાલકોના લાઇસન્સ, ફોરવ્હીલરોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રીપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.