કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા-CAIT એ જીએસટી વિરુધ્ધ 26મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. CAITના ભારત બંધને સમર્થન આપતા ટ્રાન્સપોર્ટ સેક્ટરના સૌથી મોટા સંગઠન ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશને પણ 26 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ કરવાનું એલાન કરી દીધુ છે. નાગપુરમાં CAITના આજથી શરૂ થયેલા ત્રણ દિવસના રાષ્ટ્રીય વ્યાપાર સંમેલનમાં આ એલાન કરવામાં આવ્યું હતું, આ એલાન CAITના રાષ્ટ્રીય પ્રમુખ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ સહિત ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન પ્રમુખ પ્રદીપ સિંધલે સંયુક્ત રીતે કર્યું હતું. આ સંમેલનમાં દેશના તમામ રાજ્યોના 200થી વધુ મુખ્ય વ્યાપારી નેતાઓએ હિસ્સો લઇ રહ્યા છે. સંમેલન દરમિયાન સંસ્થાએ જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીના માળખાને પોતાના ફાયદા માટે તૈયાર કર્યું હોવાના આરોપ લગાવ્યા હતા. CAITનું કહેવુ હતું કે જીએસટી સંપૂર્ણ રીતે નિષ્ફળ ટેક્સ સિસ્ટમ છે. તેના મૂળ માળખા સાથે છેડછાડ કરવામાં આવી હતી. સંસ્થા મુજબ રાજ્ય સરકારો તેના સ્વાર્થના લીધે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવામાં રસ દાખવી નથી રહી. દેશના વ્યાપારીઓ ધંધો કરવાને બદલે આખો દિવસ જીએસટીના ચક્કરમાં વ્યસ્ત રહે છે.
CAITના રાષ્ટ્રીય પ્રમુખ મુજબ જીએસટીની માથાકૂટ દેશની અર્થવ્યવસ્થા માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે. એવામાં જીએસટીના વર્તમાન માળખા પર નવેસરથી વિચારવાની જરૂર છે. ચાર વર્ષમાં આશરે 937થી વધુ વાર સુધારા કર્યા પછી જીએસટીનુ મૂળ માળખું બદલાઇ ગયુ છે. તેમના મુજબ વારંવાર કહેવા છતાં પણ જીએસટી કાઉન્સિલ એ કૈટની ભલામણોની અવગણના કરી છે અને વ્યાપારીઓએ પોતાનો અવાજ સંભાળવવા માટે ભારત વ્યાપાર બંધનો સહોર લવો પડે છે.