રાજય સરકાર દ્વારા તાજેતરમાં મંજુર કરવામાં આવેલી જામનગર મહાપાલિકાની ટીપી સ્કીમ નં. 7,10,25,26,27ની અમલવારીને જામનગર મહાપાલિકાની સામાન્ય સભાએ લીલીઝંડી આપી છે. શહેરના ઝડપી વિકાસ માટે ટાઉન પ્લાનિંગ સ્કીમની અમલવારી ખૂબ જ જરૂરી હોય રાજય સરકારની સૂચના અને તાકિદ બાદ યોજવામાં આવેલી ખાસ સામાન્ય સભામાં પાંચેય ટીપી સ્કીમને સર્વાનમુતે બહાલી આપવામાં આવી હતી.
મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને આજે સવારે જામનગર મહાપાલિકાની ખાસ સામાન્ય સભા ટાઉનહોલમાં યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ગત દિવસોમાં રાજય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી જામનગર શહેરની નવી પાંચ ટીપી સ્કીમની અમલાવારીનો એજન્ડા હાથ પર લેવામાં આવ્યો હતો. શહેરના વિકાસમાં ઝડપ આવે તે માટે જામનગર મહાપાલિકાની ટીપી સ્કીમ નં. 7,10,25,26,27ના મંજુર થયેલાં મુસદા મુજબ તેની અમલવારી શરૂ કરી દેવા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તને સર્વાનુમતે મંજૂર કરવામાં આવતાં પાંચેય ટીપી સ્કીમની અમલવારી અને શહેરના વિકાસનો માર્ગ મોકળો થયો છે.
ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ પ્રથમ વખત જ કોર્પોરેટર તરીકે સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલાં દિવ્યેશ અકબરીનું પદાધિકારીઓ તેમજ કમિશનર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જયારે વિપક્ષના નેતા તરીકે વરણી પામેલા ધવલ નંદાનું પણ બોર્ડમાં સન્માન કરવામાં આવ્યું હતું. અમલવારી માટે રજૂ કરાયેલી ટીપી સ્કીમ અંગે બોલતાં વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે, વિકાસની બાબતમાં તેમજ ટીપી સ્કીમની અમલવારીની બાબતમાં અન્ય શહેરોની સરખામણીએ જામનગર શહેર ખૂબજ પાછળ છે. ત્યારે જામનગરમાં પણ ટીપી સ્કીમનો ઝડપથી અમલ થાય તે જરૂરી છે. શહેરના વિકાસ માટે વિપક્ષી સભ્યો પણ સાથે જ છે. ત્યારે આજે અમલવારી માટે મંજુર કરવામાં આવેલી તમામ સ્કીમની અમલવારી કોઇપણ વિક્ષેપ વગર નિયમ મુજબ થાય તેવી અપેક્ષા વિપક્ષી સભ્યો રાખી રહયા છે.