આવતીકાલે શ્રાવણ સુદ-7 ના જામનગર શહેરનો સ્થાપના દિવસ છે. શહેરના 482 મા સ્થાપના દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા દરબાર ગઢ નજીક આવેલ દિલાવર સાયકલ સ્ટોર ખાતે ખાંભીપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યે દિલાવર સાઈકલ સ્ટોર્સમાં ખાંભીપૂજન કર્યા બાદ સવારે 10 વાગ્યે લાલબંગલા સર્કલ ખાતે કર્નલ રાજેન્દ્રસિંહની પ્રતિમાને ફૂલહાર તેમજ સવારે 10:15 વાગ્યે તળાવની પાળમાં આવેલ જામસાહેબ જામ રાવલજીની પ્રતિમાને ફૂલહાર, સવારે 10:30 વાગ્યે જામસાહેબ રણજીતસિંહની પ્રતિમાને ફૂલહાર તથા સવારે 10:45 વાગ્યે જામસાહેબ દિગ્વીજયસિંહની પ્રતિમાને ફૂલહાર કરી જામનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. આ તકે જામનગર મહાનગર પાલિકાના મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારિયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, સાંસ્કૃતિક કમિટીના ચેરપર્સન હર્ષાબા જાડેજા, કમિશનર વિજયકુમાર ખરાડી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજપૂત સમાજ દ્વારા પણ શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.