ગુજરાતને છેલ્લાં આઠ દિવસથી ઘમરોળી રહેલી કમોસમી વરસાદની સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે. એટલું જ નહીં ધીમે ધીમે વિખેરાવા લાગી છે. સંભવત્ માવઠાનો આજે છેલ્લો દિવસ હોઇ શકે છે. આવતીકાલથી રાજ્યમાં વાતાવરણ સ્વચ્છ થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર અને ખડૂતોએ હાસકારો અનુભવ્યો છે.
જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજ્યમાં છુટા-છવાયા સ્થળોએ વરસાદી ઝાપટા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબસાગરમાં ડિપ્રેશનની સિસ્ટમ હવે ધીમી પડી ગઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ આ સિસ્ટમની અસર હજી 2 દિવસ રાજ્યમાં રહેશે. જોકે, વરસાદની તીવ્રતામાં ઘટાડો થતા અમદાવાદ શહેરમાં ગઈકાલે વાદળછાયુ વાતાવરણ અને ક્યાંક તડકો પણ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં રાજ્યમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને સમી સાંજે વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. બપોરે વાતાવરણ સૂકું જોવા મળશે. આગામી 5 નવેમ્બરથી રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત્ જોવા મળશે.
ઊંઝા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસના વિરામ બાદ આજે વહેલી સવારે અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી ફરી વળ્યા હતાં. લગ્ન સરાની મોસમ હોવાથી લોકો પણ હેરાન થયા હતા. ઊંઝામાં સવારે પડેલા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ એક અઠવાડિયા સુધી વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ કોઈ બદલાવ નહીં આવે. દ્વારકા, પોરબંદર, ભાવનગર, કચ્છ અને જૂનાગઢમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના આસપાસના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. એક અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈપણ વધારે બદલાવ જોવા નહીં મળે.


