આજે સાંજે આકાશમાં એક અદભૂત ખગોળિય ઘટના જોવા મળશે. નાસાના વૈજ્ઞાનિકો અનુસાર 28 માર્ચે મોડી સાંજે ગુરૂ, બુધ, શુક્ર, યુરેનસ અને મંગળ એક સાથે દેખાશે અને તે વિશ્ર્વમાં કોઇપણ ભાગમાંથી જોઇ શકાશે. જયારે કેટલાક ગ્રહો એક સીધી લાઇનમાં જોવા મળે છે. ત્યારે તેને પ્લેનેટરી એલાઇમેન્ટ કહેવામાં આવે છે. કેટલાક ગ્રહો થોડા સમય માટે સૂર્યની એક બાજુએ ભેગા થાય છે. ત્યારે એવું લાગે છે કે, આ ગ્રહો એકબીજાની આસપાસ છે. કેટલાક લોકો આ ઘટનાને ગ્રહોની પરેડ પણ કહે છે. નાસા અનુસાર, સૂર્યાસ્ત થયા પછી વ્યક્તિએ પશ્ર્ચિમિ ક્ષિતિજ તરફ જોવું પડશે. તમે આ પાંચ ગ્રહને ક્ષિતિજથી આકાશની મધ્ય સુધી ફેલાયેલા જોશો, પરંતુ વિલંબ કરશો નહીં. સૂર્યાસ્ત પછી બુધ અને ગુરુ ગ્રહો લગભગ અડધા કલાક પછી ક્ષિતિજ રેખામાં ડૂબી જશે. જો આકાશ સ્વચ્છ હોય તો આ પાંચ ગ્રહ પૃથ્વી પર ગમે ત્યાંથી જોઈ શકાય છે.આ પાંચ ગ્રહમાં શુક્ર સૌથી તેજસ્વી હોવાની અપેક્ષા છે. બુધ અને ગુરુ ક્ષિતિજની નજીક જોઈ શકાય છે. જોકે યુરેનસને જોવાનું થોડું મુશ્કેલ થઈ શકે છે. મંગળ અને ચંદ્ર એકબીજાની ખૂબ નજીક જોવા મળશે.