ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. અત્યાર સુધી ધીમી ગતિએ ચાલતી ઉમેદવાર પસંદગી, પ્રચાર સહિતની કામગીરીમાં વેગ આવ્યો છે.
ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બુલેટ ટ્રેનની સ્પીડે શરૂ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારો જાહેર કરતાં હવે કુલ 118 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ ગઈકાલે અમિત શાહની હાજરીમાં ભાજપના 47 ઉમેદવારો અંગે મંથન થયું હતું. જ્યારે આજે વધુ 58 ઉમેદવારો અંગે મંથન થશે. તે ઉપરાંત કોંગ્રેસમાં હજી પણ મામલો ગુંચવાયેલો છે. આજે દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારો અંગે મંથન થશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનું પણ આયોજન થઈ રહ્યુ છે. જ્યારે વડાપ્રધાન 6 નવેમ્બરે ગુજરાત આવી રહ્યાં છે.
ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની પહેલા દિવસની ચર્ચામાં 13 જિલ્લાની 47 બેઠકોના ઉમેદવારો અંગે મંથન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમિત શાહ, સી.આર. પાટીલ, ઈખ ભૂપેન્દ્ર પટેલની બંધ બારણે બેઠક પણ થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે બીજા દિવસે પણ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં 58 બેઠકોની ઉમેદવારો માટે મંથન કરવામાં આવશે. ગાંધીનગરની 5, મહેસાણાની 7, અમરેલીની 5 બેઠક, બોટાદની 2 બેઠકો, અમદાવાદમાં 5 બેઠક, ભાવનગરની 7, ખેડાની 6 બેઠકો, જામનગરની 5 બેઠક પંચમહાલની 5, નવસારીની 4, ભરૂચની 5 બેઠક માટે ચર્ચા થશે.
વડાપ્રધાન 6 નવેમ્બરે ગુજરાતમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 6 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. મોરબીની દુર્ઘટના બાદ પીએમ મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી.ચૂંટણી જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે. જેમાં પીએમ મોદી ભાવનગરમાં સમૂહ લગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સુરેન્દ્રનગર અને વલસાડમાં સભા સંબોધશે.