યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કવાયત સરકારે શરુ કરી દીધી છે. તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ શામેલ છે. આજે યુક્રેનથી ગુજરાતના 56 જેટલા વિદ્યાર્થીઓ પરત ફરશે. આજે સાંજે 4થી5 વાગ્યા વચ્ચે વિદ્યાર્થીઓ મુંબઈ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી સરકાર દ્વારા GSRTC વોલ્વો બસ મારફતે વિદ્યાર્થીઓને ગુજરાત લઇ આવવામાં આવશે.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને લઈ ટ્વીટ કર્યુ છે. ભારત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. દિલ્હી અને મુંબઇથી વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનરશ્રી અને મુંબઈમાંથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને સોંપવામાં આવી છે.
આજે એર ઈન્ડિયાના 4 પ્લેનમાં ભારતીયો પરત ફરશે. દિલ્હીથી 2 વિમાન ભારતીયોને પરત લેવા જશે. એક પ્લેન રોમાનિયા અને એક પ્લેન હંગરીમાં જશે. એક વિમાન મુંબઈથી રોમાનિયા ભારતીયોને લેવા જશે.