લાલપુરમાં રહેતા યુવાને અભ્યાસથી કંટાળી પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં રહેતાં યુવાનને માનસિક બીમારીથી પીડાતા હોય જેનાથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. લાલપુરના ગોવાણા ગામ વાડી વિસ્તારમાં રહેતા વૃધ્ધાને ઝેરી જનાવર કરડી જતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જામજોધપુરના શેઠવડાળા ગામે યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ લાલપુર તાલુકાના ગોહિલવાસમાં રહેતાં દિવ્યેશભાઈ વાલજીભાઈ સીંગરખીયા (ઉ.વ.20) નામના યુવાન અભ્યાસ કરતો હોય અને અભ્યાસથી કંટાળી તા.25 ના રોજ બપોરના સમયે પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે વિરાભાઈ સીંગરખીયા દ્વારા જાણ કરાતા લાલપુરના હેકો એ.એમ. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગરના માધાપર ભુંગા બેડી પોર્ટ વિસ્તારમાં રહેતાં ગુલામહુશેન ઈસ્માઈલ કમોરા (ઉ.વ.37) નામના યુવાનને છેલ્લાં 12 વર્ષથી માનસિક બીમારી હોય, જેનાથી કંટાળી જઇ રવિવારે બપોરના સમયે પોતાના ઘરે છતમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે સરફરાજ કમોરા દ્વારા જાણ કરાતા બેડી મરીનના હેકો સૂર્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામ વાડી વિસ્તારમાં રહેતાં વિજયાબેન સામતભાઈ પીપરોતર (ઉ.વ.60) નામના વૃધ્ધા રવિવારના સવારના સમયે પોતાની વાડીએ આવેલી ઓસરીમાં ઘરકામ કરતા હતાં તે દરમિયાન ઝેરી જનાવર કરડી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા જ્યાં ફરજ પરના તબીબોએ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે સંજયભાઈ પીપરોતર દ્વારા જાણ કરાતા હેકો એમ.કે. ગઢવી સહિતના સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી.
ચોથો બનાવ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે રહેતાં અને મૂળ દાહોજ જિલ્લાના લીમખેડા તાલુકાના દિનાભાઈ કાનજીભાઇ નાયક (ઉ.વ.30) નામના યુવાને રવિવારે ભાગે રાખેલ વાડીએ અગમ્યકારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે પ્રદિપભાઈ દવે દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.એન. ગઢવી તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.