જામનગર શહેરમાં જય હરીપાર્ક વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાને તેની પત્ની સાથે થતા અવાર-નવારના ઝઘડાના કારણે થતી ઘર કંકાસથી કંટાળીને તેના ઘરે કપડા વડે પંખામાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના સ્વામી નારાયણ નગરમાં રહેતાં યુવાનને તેના ઘરે છાતીમાં દુ:ખાવો ઉપડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં જય હરી પાર્ક શેરી નં.2 માં મકાન નં.7 માં શાંતિહોટલ પાછળ રહેતાં અને મજૂરી કામ કરતા જયેશભાઈ રઘુભાઈ ગુજરાતી (ઉ.વ.30) નામના યુવાનને તેની પત્ની સાથે અવાર-નવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો. પત્ની સાથેના ઝઘડાને કારણે થતી ઘર કંકાસથી કંટાળીને શુક્રવારે રાત્રિના સમયે તેના ઘરે પંખામાં કપડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા રઘુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના સ્વામિનારાયણ શેરી નં. 4 માં મામાસાહેબના મંદિર પાસે રહેતાં રવિભાઈ હરીશભાઈ મખેજા (ઉ.વ.31) નામના યુવાનને રવિવારે સવારના સમયે તેના ઘરે એકાએક છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા હરીશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.બી. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.