મોરબીના સિરામિક કારખાનેદારોએ ટાઇલ્સના ભાવોમાં વધારો જાહેર કર્યો છે. કારખાનેદારો કહે છે કે, ઉત્પાદન ખર્ચ વધી ગયો હોય તમામ પ્રકારની ટાઇલ્સમાં ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે. આ મહિનાથી તમામ પ્રકારની ટાઇલ્સમાં 07%થી માંડીને 12 ટકા સુધીનો ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે.
કારખાનેદારો એમ કહે છે કે, નેચરલ ગેસના ભાવોમાં વધારો થયો છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને પેકેજીંગ ખર્ચ પણ વધારે આવે છે. જેના કારણે આ ભાવવધારો જાહેર કરવામાં આવ્યો છે. એમ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરીયાએ પત્રકારોને જણાવ્યું છે.
સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે, વિવિધ પ્રકારની ટાઇલ્સમાં પ્રત્યેક ચોરસ ફુટે રૂપિયા એકથી માંડીને રૂપિયા બે સુધીનો ભાવવધારો કરવામાં આવ્યો છે. દિવાલોની, ગ્રાઉન્ડ ફલોરની તથા વિટ્રીફાઇડ ટાઇલ્સનો આમા સમાવેશ થાય છે.
2020ના ડિસેમ્બરની સરખામણીએ નેચરલ ગેસના ભાવમાં પ્રતિધન મીટરે રૂપિયા 10નો વધારો થયો છે. ગુજરાત ગેસ લી. દ્વારા મોરબી તથા સુરેન્દ્રનગરના ઉદ્યોગોને પૂરો પાડવામાં આવતો પીએનજી ગત્ પહેલી ફેબ્રુઆરીથી પ્રતિઘન મીટર રૂા.4.96 મોંઘો કરવામાં આવ્યો છે.