દ્વારકા સ્થિત શ્રી દ્વારકાધીશજીના જગત મંદિર ખાતે શુક્રવારે ભગવાન શ્રીકૃષ્ણના 5249 જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જગત મંદિર તથા દેવકીજી મંદિર તથા મંદિર પરિસરમાં આવેલા તમામ નાનામોટા મંદિરોને ભવ્ય રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે.
દ્વારકા માં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી નિમિત્તે સવારે 8 વાગ્યે શ્રીજીને ખુલ્લા પડદે ષોડશોપચાર વૈદિક અભિષેક પુજા કરાવવામાં આવશે. 10.30 વાગ્યે શણગાર આરતી, બપોરે 12 વાગ્યે રાજભોગ શ્રીજીને પૂજા બાદ તુલસી અર્ચના, ચંદન અર્ચના શ્રુંગાર, પ્રથમ મસ્તકે, પીળા પીતાંબર કેશરી વાધા, ચરણોમાં સોનાની ઝાંઝરી, ભવ્ય આભુષણો, મોજડી, કમર પટ્ટો, મોર કલાકૃતિવાળા કુંડલો, સોના હીરા માણેક જડીત આભુષણો, ચતુર્ભુજ સ્વરૂપે શ્રીજીના પાચજન્ય શંખ, ગૌમુખી ગદા, સુદર્શન ચક્ર, પદ્મ વડે સોળે શણગાર સજાવી, દિપ પ્રવજલીત કરી મંદિરના પુજારી પરિવાર દ્વારા શ્રીજીની આરતીનો શ્રધ્ધાળુઓએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
જગત મંદિર, પરિસર, સભાખંડમાં તથા અન્ય 16 જેટલા મંદિરમાં અલૌકિક શૃંગાર દર્શનનો અસંખ્ય ભક્તોએ લાભ લીધો હતો. દ્વારકાની અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, દુધ ,કોફી, ફળ-ફુલ તથા આલ્પાહારની નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન કોઈ અનીચ્છનીય ધટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ 6 ડીવાયએસપી, 8 પીઆઇ તથા પીએસઆઈ તથા 800 જેટલા હોમગાર્ડઝ, જીઆરડી, અન્ય સુરક્ષા જવાનો અને 800 મહિલા તથા પુરૂષ પોલીસ જવાનોનો ચુસ્ત અને કડક પણ સંવેદનશીલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ મંદિર પરિસરમાં દર્શન તથા દર્શનાર્થીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા સાથે વચ્ચે વૃદ્ધો, અશકતો તથા વડીલોને દર્શન માટે કોઈ હાલાકી ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.