Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં પોલીસ સ્ટેશનો અને ચોકીઓની તંગ હાલત

જામનગર જિલ્લામાં પોલીસ સ્ટેશનો અને ચોકીઓની તંગ હાલત

આધુનિક તંત્રની વચ્ચે જૂની ઈમારતોમાં કાર્યરત પોલીસ તંત્ર

જામનગર જિલ્લાના પોલીસ વિભાગે પોતાની કામગીરીથી અનેકવાર સારા પરિણામો આપ્યા છે. સાયબર ક્રાઈમ, એલસીબી, એસઓજીની ટીમ દ્વારા જે ગુનાના ઉકેલ, ડિકેકશન, આરોપીને પકડવાની પ્રશંસનીય કામગીરી કરી છે. જે માટે સ્થાનિક અધિકારી પૂર્વ જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુથી લઈને રોજકોટ રેન્જ આઈ. જી. અશોકકુમાર યાદવ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી અનેક અહેવાલોમાં જામનગર પોલીસના ડિટેક્શન અને વ્યવસ્થાપનના વખાણ થયા છે. પરંતુ બીજી તરફ આજે પણ શહેર અને જિલ્લાના ઘણાં વિસ્તારોમાં પોલીસ મથકો, ચોકીઓ અને અધિકારીઓની કચેરીઓ ખૂબ જ નબળી અને જર્જરિત હાલતમાં કાર્યરત છે.

- Advertisement -

શહેરના મુખ્ય પોલીસ મથકો જૂની અને ખખડધજ ઈમારતોમાં જામનગર શહેરના સીટી-એ, સીટી-બી, સીટી-સી, પંચકોષી-એ, મહિલા પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી, એસીબી, સાઇબર ક્રાઇમ અને ટ્રાફિક પોલીસ મથકો જુનવાણી અને નબળી હાલતમાં આવેલી બિલ્ડિંગમાં કામગીરી કરી રહ્યા છે. કેટલીક કચેરીઓ તો સાંસ્કૃતિક હોલ કે ભાડાના રહેણાંક મકાનમાં ચાલી રહી છે, જેમ કે, સીટી-સી પોલીસ સ્ટેશન હેડક્વાર્ટરના સાંસ્કૃતિક હોલમાં, પંચકોષી ‘એ’ ગ્રામ પંચાયતના હોલમાં, સાઈબર ક્રાઇમ હેડક્વાર્ટરના રહેણાંક મકાનમાં, એએસપી કચેરી (લાલપુર) ભાડાની ઓરડીમાં કાર્યરત છે.

આ ઉપરાંત અન્ય ચોકીઓની સ્થિતિ પણ નબળી છે. ખંભાળિયા ગેટ, ખોડિયાર ચોકી, ઉદ્યોગનગર, હનુમાનગેટ અને બેડેશ્વર સહિતની ચોકીઓ પણ ખરાબ હાલતમાં જોવા મળે છે. જ્યારે દિગ્વિજય પ્લોટ અને ગુલાબનગર ચોકીની હાલત પ્રમાણમાં સારી માનવામાં આવે છે.

- Advertisement -

શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ થોડી સારી હોવાનું જણાય છે. જામનગર ગ્રામ્ય વિસ્તારના બેડી મરીન, લાલપુર, શેઠવડાણા, જામજોધપુર, કાલાવડ, સિક્કા, પડાણા અને જોડીયા જેવા પોલીસ મથકોમાં નવી ઈમારતો હોવાનું જાણવા મળે છે અને ત્યાંની સ્થિતિ વધારે સારી છે.

અધિકારીઓની કચેરીઓ પણ સમસ્યાગ્રસ્ત છે. જામનગરના ડીવાયએસપી શહેર તથા ગ્રામ્ય કચેરી, જૂની એસ.પી. કચેરી લાલ બંગલા સર્કલ ખાતે આવેલી છે, જ્યાં ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે. બીજી તરફ લાલપુરમાં એએસપીની કચેરી ભાડાની ઓરડીમાં કાર્યરત છે.

- Advertisement -

આ ઉપરાંત વિશેષ ટીમો માટે પણ વ્યવસ્થાની અછત હોવાની માહિતી સામે આવી છે. બી.ડી.ડી.એસ, ડોગ સ્ક્વોડ, એમઓબી, એએચટીયુ, વાયરલેસ જેવી મહત્વની ટીમો માટે પણ અનુકૂળ કચેરી કે કાર્યાલય ઉપલબ્ધ નથી, જેના કારણે કામગીરીમાં અવરોધ ઉભા થાય છે.

હકીકત સામે તંત્રની આંખ મીંચાઈ?

જામનગર પોલીસે તેમની ફરજમાં ભલામણ પામી છે, પરંતુ કામ કરવાની જગ્યા અને માળખાકીય સુવિધાઓની અછત છે. આ સ્થિતિમાં પોલીસ કર્મીઓની કામગીરી પ્રભાવિત થવી સ્વાભાવિક છે. આવા જર્જરિત માળખાંમાં સુરક્ષા અને વ્યવસ્થાપન જેવી મહત્વની જવાબદારી નિભાવવી મુશ્કેલ બને છે.

આધુનિક માળખાંનો વિકાસ જરૂરી

જામનગર શહેર અને જિલ્લાની પોલીસ તંત્ર માટે આધુનિક ઈમારતો, ચોકીઓ અને અધિકારી કચેરીઓનું નિર્માણ અત્યંત જરૂરી બન્યું છે. સુરક્ષા અને વ્યવસ્થાના સ્તરે કાયદો અને વ્યવસ્થા જાળવતી એ તંત્ર માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી રાજ્ય સરકારની જવાબદારી છે. વહેલી તકે આ તરફ યોગ્ય પગલાં લેવાય સમયની માંગ છે.

જીલ્લામાં કોઈને પણ કાયદાવ્યવસ્થા, સુરક્ષા, ચોરી, લુંટ, મારામારી, ધમકી જેવા બનાવ બને ત્યારે પોલીસની મદદ લેતા હોય છે. પરંતુ પોતાની ફરજને નિષ્ઠાપુર્વક નિભાવતા પોલીસ જવાનો પોતાની કચેરી બાબતે મૌન સેવી રહ્યા છે. જે બાબત ઉચ્ચ અધિકારી પણ અજાણ નથી. પોલીસની આ સમસ્યા બોલ્યા પહેલા અધિકારીઓ સમજે અને તેનો યોગ્ય ઉકેલ લાવે તેવી પોલીસ જવાનોની પણ લાગણી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular