1990માં કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલાં કાશ્મીરી પંડિતોની હ્રદયદ્રાવક કહાની રજૂ કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દેશના અન્ય રાજય સાથે ગુજરાતમાં પણ કરમૂકિત આપવામાં આવી છે. તેમ છતાં આ ફિલ્મ અન્ય ફિલ્મોની સરખામણીએ થિયેટરમાં દર્શકોને મોંઘી પડી રહી છે. ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂટર્સ દ્વારા નકકી કરવામાં આવેલાં દરને કારણે આ ફિલ્મની ટિકીટ બોકસ ઓફિસ પર અન્ય સૂપર હિટ ફિલ્મ કરતાં પણ મોંઘી છે. રાજય સરકાર દ્વારા તેમના હિસ્સામાં કર(જીએસટી) માફ કરવામાં આવ્યો છે. કર માળખા પ્રમાણે રૂા.110 સુધીની ટિકીટ પર 15 ટકા અને 110 થી વધુ રકમની ટિકીટ પર 28 ટકા જીએસટી વસુલવામાં આવે છે.
જામનગરની વાત કરીએ તો, શહેરમાં ત્રણ મલ્ટીપ્લેકસ મેહુલ સિનેમેકસ, આઇનોકસ, પીવીઆરમાં આ ફિલ્મ પ્રદર્શીત કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરના દર્શકોને ટેકસ ફ્રીનો કેટલો લાભ મળે છે તે જાણવું રસપ્રદ બની રહેશે. મેહુલ સિનેમેકસની વાત કરીએ તો દિવસ દરમ્યાન ‘કાશ્મીર ફાઇલ્સ’ના કુલ પાંચ શો પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. દરેક શોની ટિકીટના રેઇટસ અલગ અલગ છે. મોર્નિંગ શોમાં સૌથી સસ્તી 110 રૂપિયાની ટિકીટ કે જે 15 ટકાના સ્લેબમાં આવતી હોય તેના પર દર્શકોને 6 રૂપિયા લાભ મળશે. જયારે 12 વાગ્યાની ટિકીટનો રેઇટ 140, 3 અને 6 વાગ્યાના શોની ટિકીટનો રેઇટ રૂા.160 જયારે નાઇટ શોની ટિકીટનો ભાવ રૂા.180 છે. જેમાં સરકાર દ્વારા 28 ટકા જીએસટી વસુલવામાં આવે છે. ત્યારે રાજય સરકારનો એસજીએસટી ટેકસ 14 ટકા ટિકીટમાંથી બાદ થાય છે. તે જોતાં દર્શકોને વધુમાં વધુ રૂા.15નો ફાયદો થશે.
‘ખબર ગુજરાત’ દ્વારા કરમૂકત ટિકીટના ભાવ અંગે આઇનોકસ પાસેથી પણ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતું તેમના મેનેજર પાસે ટિકીટના ભાવ સંબંધી કોઇ વિગતો ઉપલબ્ધ ન હતી. આથી અહીં આઇનોકસના દર અમે રજુ કરી શકયા નથી. જયારે પીવીઆરના કોઇ જવાબદાર અધિકારીનો સંપર્ક થઇ શકયો ન હતો.
રાજય સરકાર દ્વારા આ ફિલ્મને કરમૂકિત આપવામાં આવી હોવા છતાં ભાવ નિધારણ ડિસ્ટ્રીબ્યૂટરના હાથમાં હોવાને કારણે દર્શકોને કોઇ મોટો લાભ મળી શકયો નથી. ઉલ્ટું અન્ય ફિલ્મો કરતાં આ ફિલ્મ જોવા માટે વધુ રકમ ચૂકવવી પડી રહી છે. કેમ કે, તાજેતરમાં જ હિટ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીના ટિકીટના દર ‘કાશ્મીર ફાઇલ્સ’ કરતાં ઘણાં ઓછા છે. જો કે, ટિકીટના દર નકકી કરવાનું એક અલગ જ મિકેનિઝમ કામ કરી રહ્યું હોવાનું મોટાભાગના સિનેમા સંચાલકોએ જણાવ્યું હતું.