સમગ્ર રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ રહી છે. ઠંડીનો ધીમે ધીમે પગપેસારો થઈ રહ્યો છે. વહેલીસવારે અને રાત્રિના સમય દરમિયાન ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ઠંડીની સાથે સાથે તિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે. ત્યારે આ વર્ષે ઠંડીના આગમન સાથે તિબેટીયન માર્કેટ પણ શરૂ થઈ ગઈ છે.
આ તકે તિબેટીયન માર્કેટના પ્રધાન દોરજી ચેમપેલનું કહેવું છે કે, જામનગર અમારું બીજું ઘર છે. જામનરગ આવીને અમને એવું લાગે છે કે જાણે અમે અમારા ઘરે જ આવ્યા હોય તેમજ જામસાહેબ બાપુનો આભાર માનતા તેઓએ કહ્યું છે કે, તેમણે આ જગ્યા આપી જ્યાં અમે વર્ષોથી માર્કેટ લગાવીએ છીએ અમારો મુખ્ય ધંધો ગરમ કપડા વેંચવાનો જ છે. જેમાંથી અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ છીએ.
ગુજરાતી લોકો છેલ્લાં કેટલાં સમયથી તિબેટીયન માર્કેટમાંથી ગરમ કપડા ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, તિબેટીયન માર્કેટમાં ગરમ કપડાની સારી કવોલીટી મળી રહે છે. ગરમ જેકેટ, બાળકો માટે ટોપી, શાલ, સ્વેટરમાં અવનવી વેરાયટી અહીં મળી રહી છે. હાલ મોંઘવારીના પગલે દરેક ચીજવસ્તુના ભાવમાં વધારો થઇ રહ્યો છે. પરંતુ તીબેટીયનોનું કહેવું છે કે, આ વખતે તેમણે ભાવ વધારો કર્યો નથી અને તેઓ સીધા લુધીયાનાથી માલ લાવતા હોવાથી હજાર કરતા સસ્તા ભાવે સામાન મળી રહે છે. અને શહેરવાસીઓને આ વખતે વેરાયટી અલગ અલગ મળી રહે છે.