જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લાથી જામનગર સુધી રીક્ષાની રેસ લગાડી હારજીત કરતાં ત્રણ શખ્સને પંચકોશી પોલીસ સ્ટાફે રૂા. 1,95,250ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગત મુજબ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લાથી જામનગર સુધીના જાહેર રોડ પર રિક્ષામાં રેસ લગાવી જુગાર રમતા હોવાની પીઆઇ એમ. એન. શેખ અને પીએસઆઇ એ. આર. પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ગ્રામ્ય ડીવાયએસપી આર. બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. એન. શેખ, પીએસઆઇ એ. આર. પરમાર, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટીયા, પો.કો. જયદીપસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા વગેરેએ ખીજડિયા બાયપાસ નજીક વોચ ગોઠવી હતી. તે દરમ્યાન રેસ કરતી ત્રણ રિક્ષાઓને આંતરીને પોલીસે અમિત કીશોર સોલંકી (રહે. ગુલાબનગર), કરણ મનોજ મકવાણા (રહે. સાત રસ્તા) તથા રાહુલ વિજય રાઠોડ (રહે. ધુંવાવ નાકા) નામના જામનગરના ત્રણ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી 15250ની રોકડ રકમ અને 1.80 લાખની બે રીક્ષા સહિત કુલ રૂા. 1,95,250ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


