ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને દરિયાનો એક વિડીયો વાયરલ થયા બાદ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાએ આકરું વલણ અખત્યાર કરી અને ફરજ મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા પંથકમાં આવેલા દરિયામાં કાળુભાર ટાપુ નજીક પોલીસ સ્ટાફને સરકારી બોટ મારફતે પેટ્રોલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. આ માટે સલાયા મરીન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ ભીખુભા જાડેજા, કોન્સ્ટેબલ પીઠાભાઈ પબાભાઈ જોગલ તથા હિતેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા દ્વારા સરકારી બોટ મારફતે એક જી.આર.ડી.ના જવાન તથા અન્ય એક સ્થાનિક શખ્સને બોટમાં લઈ જવામાં આવ્યા હતા.
દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ બોટમા હતા ત્યારે જી.આર.ડી.નો જવાન તથા અન્ય એક શખ્સ દોરડું બાંધી અને બોટમાંથી દરિયામાં નહાવા પડ્યા હતા. જે અંગેનો વિડીયો વાયરલ થઈ ગયો હતો. આ કૃત્યથી કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનું ખુલવા પામતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર દ્વારા તાકીદની કાર્યવાહી કરી, ઉપરોક્ત ત્રણેય હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલને ફરજ મુક્ત કરવા માટેનો હુકમ કરાયો છે.
આટલું જ નહીં, આ સમગ્ર પ્રકરણ અંગેની વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે એલ.સી.બી. વિભાગને પણ હુકમ કરવામાં આવ્યો છે. જેથી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સલાયા મરીન પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના આ સમગ્ર પ્રકરણથી જિલ્લાના પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે.