જામનગરના ગોકુલનગર નજીક આવેલી દલવાડી સોસાયટીમાં બકાલાનો વ્યવસાય કરતા યુવાન ઉપર થૂંકવા બાબતનો ઠપકો આપતા દંપતી સહિત ત્રણ શખ્સોએ છરી અને ધોકાના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા દલવાડી સોસાયટીમાં અને બકાલાનો વ્યવસાય કરતા સુરેશ સવશીભાઈ સોનારા નામના યુવાનને અગાઉ વિરસિંહ રાઠોડ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. દરમિયાન બુધવારે રાત્રિના સમયે સુરેશ સોનારા તેની દુકાને જતો હતો તે દરમિયાન વિરસિંહ રાઠોડ નામના શખ્સે યુવાન ઉપર થૂંકતા યુવાન વેપારીએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાનો ખાર રાખી વિરસિંહ રાઠોડ, તેનો પુત્ર જીતુ વિરસિંહ રાઠોડ અને પુત્રવધુ સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી યુવાન ઉપર છરી વડે માથામાં પગમાં સાથળમાં આડેધડ ઘા ઝીંકી હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને છોડાવવા વચ્ચે પડેલા તેના ભાઈ વિજય ઉપર વિરસિંહએ તલવાર વડે પડખામાં જીવલેણ ઘા ઝીંકયો હતો તેમજ મહિલાએ ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
દંપતી સહિતના ત્રણ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં યુવાન ભાઈઓ ઘવાયા હતાં અને ત્યારબાદ તેમની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને સુરેશના નિવેદનના આધારે દંપતી સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. ઘવાયેલા ભાઈઓમાં વિજયને ગંભીર ઈજા પહોંચી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.