ભાણવડ તાલુકાના જામ રોઝીવાડા ગામ નજીક જામજોધપુરના ધ્રાફા તરફથી આવતી છકડો રીક્ષાચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પુલ પરથી અંદાજે 20 ફુટ નીચે ખાબકતા અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય સાત થી આઠ વ્યક્તિને ઈજા પહોંચતા જામનગર અને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામ થી ભાણવડ તાલુકાના જામ રોઝીવાડા ગામ તરફ આવી રહેલા છકડા રીક્ષાના ચાલકે પૂલ પર પહોંચ્યો ત્યારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મુસાફરો ભરેલી રીક્ષા પુલ નીચે ખાબકી હતી. રીક્ષા 20 ફુટ ઉપરથી ખાબકતા બેસેલા મુસાફરોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. અકસ્માતમાં મુસાફરી કરી રહેલા ગીતાબેન ભરતભાઈ નનેરા, હુશેનભાઇ શાહમામદભાઈ અને મુકતાબેન ધનજીભાઈ નનેરા નામના ત્રણ વ્યક્તિઓને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય સાતથી આઠ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.
પુલ પરથી છકડો રીક્ષા નીચે ખાબકતા રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. અને આ અકસ્માતમાં ઘવાયેલા મુસાફરોને સારવાર માટે જામનગરની અને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ બનાવની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી રીક્ષાચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરવા તપાસ આરંભી હતી અને ત્રણ મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના વાલી-વારસને જાણ કરી હતી. ઉલ્લખેનીય છે કે, આવા ખખડી ગયેલા છકડા ધારકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી મુસાફરોની અવર-જવર અટકાવવી જોઇએ. જેથી કરીને સામાન્ય નાગરિકોના ભોગ ન લેવાય.