કાલાવડ ધોરીમાર્ગ પર મોટી માટલી ગામ નજીક ગત રાત્રિના સમયે પસાર થતી કાર અને ટ્રેકટર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં સવાર ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિતના લોકો હોસ્પિટલે પહોંચી ગયા હતાં.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર રવિવારની રાત્રિના સમયે મોટી માટલી ગામ નજીકથી પસાર થતી જીજે-10-ડીએ-7264 નંબરની કાર અને રેતી ભરેલા ટ્રેકટર ધડાકાભેર અથડાતા આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પૈકીના મસીતિયાના સૈયદ આમનશા બાપુ સીદીકમીયા બાપુ મટારી સહિતના ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ ઘાયલોને જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતની જાણ થતા મુસ્લિમ સમાજના અગ્રણી કાસમભાઈ ખફી અને ઈકબાલભાઈ ખફી (ભુરાભાઇ) સહિતના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો જ્યાં પોલીસે મૃતદેહોના કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.