જામનગર શહેરમાં સ્થિત આઈસીઆઈસીઆઇ બેંક લિમિટેડમાંથી રાજેશ પ્રભુલાલ નાખવા નામના વ્યક્તિએ લોન મેળવી હતી અને આ લોન ભરપાઈ કરવા માટે દર મહિને લોનનો હપ્તો ડાયરેકટ બેંકમાં જમા થાય તે રીતે ઈસીએસ મેન્ડેટ ભર્યુ હતું. જે ડીસઓનર થતા તે અંગેનો કેસ એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટની અદાલતમાં ચાલી જતાં અદાલતે ધ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એકટ 2007 ના વિશિષ્ટ અને ખાસ કાયદાની કલમ-25 તથા 27 હેઠળ બેંકના ધારાશાસ્ત્રી મહેશ એ. તકતાણી અને તેમની ટીમ દ્વારા રજૂ કરાયેલી વિસ્તૃત અને ધારદાર દલીલોને માન્ય રાખી રાજેશ પ્રભુલાલ નાખવાને ત્રણ મહિનાની જેલ અને રૂા.4,34,219 નું વળતર બેંકને ભરપાઈ કરવાનો આદેશ કર્યો હતો. તેમજ જો રકમ ભરપાઈ ન કરે તો વધારાની છ મહિનાની સજા ફરમાવતો સમગ્ર જિલ્લાનો ખાસ કાયદા હેઠળનો સંભવિત પ્રથમ ચૂકાદો કરાતા ખળભળાટ મચી ગયો છે.
આ કેસની વિગત મુજબ, જામનગરના રાજેશ પ્રભુલાલ નાખવાએ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી લોન મેળવી અને આ લોન ભરપાઈ માટે ઈલેકટ્રોનિક ક્લિયરીંગ સીસ્ટમથી હપ્તો ભરપાઇ કરવા અંગે મેન્ડેટ બેંકની તરફેણમાં ભર્યુ હતું જે મેન્ડેટ ડિસઓનર થતા બેંકના ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી તથા જીતેશ એમ. મહેતા, નિપુલ એચ. બારોટ, સંજના એમ. તખ્તાણી તથા આસી. મુર્તુજા મોદી, મનિષા ભાગવત, રીના રાઠોડ, પુજા રાઠોડ અને કિંજલ સોજીત્રા સહિતની ટીમ દ્વારા રાજેશને નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં કોઇ દરકાર ન લેતા ધારાશાસ્ત્રી મહેશભાઈ દ્વારા અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં રાજેશને ધોરણસર સમન્સની બજવણી થયા બાદ કેસની તમામ વિગતો દર્શાવતા દસ્તાવેજો અદાલતમાંથી મેળવ્યા બાદ આરોપીની નિયમિત હાજરીના અભાવે અદાલતે કેસની કાર્યવાહી આગળ ધપાવી 11 માસના ટૂંકા ગાળામાં આરોપી રાજેશને ત્રણ માસની જેલ અને રૂા.4,34,219 ની વળતરની રકમ બેંકમાં ભરવાનો આદેશ કરવામાં આવ્યો હતો તેમજ આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો ખાસ કાયદા હેઠળનો ચૂકાદો આપવામાં આવ્યો હતો.