જામનગર શહેરના અશોકસમ્રાટનગરમાં રહેતી યુવતીના ઘરમાં ઘુસી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની અશોકસમ્રાટનગરમાં રહેતી સંગીતાબેન રાજુભાઈ ગોષ્ઠી (ઉ.વ.25) નામની યુવતી રવિવારે સવારે તેના ઘર પાસે હતી ત્યારે યુવતીના જમાઇના મિત્ર એલ્બોડાડો નામના શખસે વહેલીસવારે જી. જી. હોસ્પિટલમાં માથાકૂટ કરી તારા લીધે મારે મારી પત્નીએ મારી સાથે છુટુ કરવાનું કહે છે તે બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ યુવતીના ઘરે જઈ એલ્બોડાડો, છત્રપાલસિંહ અને અજીતબાપુ નામના ત્રણ શખ્સોએ યુવતીના ઘરે જઇ છરી વડે હાથમાં, પેટમાં અને ગળાના ભાગે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ ઘરનો દરવાજો બંધ કરી દઇ યુવતીને પતાવી નાખવાની ધમકી આપી હતી. બાદમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ ડી.કે. ગોહિલ તથા સ્ટાફે યુવતીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.