જામનગરના ધરારનગરમાં વસવાટ કરતો યુવાન તેના મિત્ર પાસે ઉછીના આપેલા રૂપિયા માંગતો હોય તે બાબતે બોલાચાલી થતાં ત્રણ શખ્સોએ ગાળાગાળી કરી લોખંડના પાઇપ અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગરમાં ધરારનગરમાં રહેતા યાસીન સિદીક ગંઢાર નામનો યુવાન તેના મિત્ર સમીર પાસે રૂા. 22 હજાર માંગતો હતો. તે બાબતે સમીર સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી રવિવારે સાંજના સમયે બેડી ગેઇટ પાસે ખાદી ભંડાર નજીક ઇદ્રીશ આલા, મોઇન આલા અને રાજા આલા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી યાસીન સાથે ગાળાગાળી કરી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ ત્રણેય શખ્સોએ સમીર પાસે રૂપિયાની માંગણી કરી તો પતાવી દઇશું તેવી ધમકી આપી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત યાસીનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂઘ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.


