જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને અગ્રણી લાલ પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટીવ આવ્યા છે. પરિવારના તમામ સભ્યો સેલ્ફ આઇસોલેટ થયા છે. કોરોના સંક્રમણને પગલે જીતુભાઇ લાલે એક ઓડિયો મેસેજ દ્વારા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે.
તાજેતરમાં ઉદ્યોગપતિ અને રાજકીય અગ્રણી જીતુભાઇ લાલના પુત્રના લગ્ન જયપુરની એક પેલેસ હોટલમાં યોજાયા હતાં. લગ્ન સમારોહ દરમિયાન આ હોટલમાં અન્ય વિદેશી નાગરિકો પણ રોકાયેલા હોય, લાલ પરિવારના ત્રણ સભ્યોને કોરોનાના લક્ષણો જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં ત્રણ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ રિપોર્ટના પગલે પરિવારના સભ્યો સેલ્ફ આઇસોલેટ થયા હોવાની જાણકારી ખુદ જીતુભાઇ લાલે એક ઓડિયો મેસેજ દ્વારા આપી છે. મેસેજમાં તેમણે જણાવ્યું છે કે, લગ્ન પ્રસંગ દરમિયાન અને ત્યારબાદ તેમના પરિવારના સંપર્કમાં આવેલા તમામ લોકોએ પોતાના કોરોના ટેસ્ટ કરાવી લેવા આ ઉપરાંત આગામી 11 ડિસેમ્બરે આગ્રામાં યોજાનાર અન્ય એક પારિવારીક લગ્ન સમારોહ કોરોના સંક્રમણના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.