જામનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે અને શહેરી વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડે છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ફલ્લામાં એક અને ધ્રોલ તથા વાંસજાળિયામાં પોણો-પોણો ઈંચ પાણી પડયું હતું. જિલ્લાના અમુક વિસ્તારોમાં પવન સાથે વરસેલા વરસાદને કારણે અનેક વૃક્ષો અને વીજપોલો ધરાશાયી થઈ ગયા હતાં.
છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં સામાન્ય ઝાપટાંથી ત્રણ ઈંચ જેટલું પાણી વરસ્યું હતું તેમજ ભારે પવન સાથેના વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજપોલો ધરાશાયી થઈ ગયા હતાં તથા જશાપર ગામમાં જેટકોનો 220 કે.વી.નો ટાવર ધરાશાયી થઈ ગ્યો હતો. જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં છેલ્લાં 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસતા ત્રણ ઈંચ જેટલું પાણી પડયું હતું. જેના કારણે માર્ગો પર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં તેમજ જામનગર તાલુકાના ફલ્લામાં પવનના સુસવાટા સાથે એક ઈંચ વરસાદ વરસ્યો હતો તેમજ ધ્રોલ અને વાંસજાળિયામાં પોણો-પોણો ઈંચ પાણી પડયું હતું તથા પીયરટોડા, લાલપુરમાં અડધો-અડધો ઈંચ વરસાદ ઝાપટાં રૂપે પાણી વરસ્યું હતું તથા મોટીબાણુંગાર, જામજોધપુર અને જામનગર શહેરમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં.
ગઈકાલે ફૂંકાયેલા મીની વાવાઝોડાને કારણે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલને નુકસાન થયું હતું. જેમાં ખીલોસ ખેતી વિસ્તારમાં આવેલા આશરે 40 થી 50 જેટલા વીજપોલો ધરાશાયી થઈ ગયા હતાં તેમજ કાલાવડ તાલુકાના જશાપર નજીક આવેલા જેટકો કંપનીનો 220 કે.વી. લાઈનનો ટાવર ધરશાયી થઈ ગયો હતો. આમ મીની વાવાઝોડા સાથેના વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં નુકસાન પહોંચ્યું હતું.
- ખીલોસમાં વાવાઝોડાના કારણે વૃક્ષ અને વીજપોલ ધરાશાયી જામનગર તાલુકાના ફલ્લા નજીક આવેલા ખીલોસમાં ગઈકાલે ભારે પવન ફૂંકાતા તારાજી સર્જાઇ હતી. જેમા ગુરૂવારે સાંજે પવન સાથે શરૂ થયેલા ધીમી ધારે વરસાદના કારણે મકાનના છાપરા અને નળિયા ઉડી ગયા હતાં તેમજ અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતાં. ભારે પવનને કારણે 15 જેટલા વીજપોલો પડી ગયા હતાં તેમજ ખેતરમાં રહેલો ઉનાળુ પાકમાં નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. ફલ્લા-કાલાવડ બાયપાસ રોડ પર વાયર પડી જતાં રસ્તો બંધ થઈ ગયો હતો.પવનના કારણે વીજપોલ ધરાશાયી થતાં ખીલોસમાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો તેમજ સરપંચ અરવિંદસિંહ જાડેજા અને યુવાનોએ ગામમાં થયેલ તારાજીના કારણે વૃક્ષો અને વીજપોલો હટાવવા જહેમત ઉઠાવી હતી.