Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતદ્વારકા જિલ્લામાં અકસ્માત મૃત્યુના ત્રણ બનાવ

દ્વારકા જિલ્લામાં અકસ્માત મૃત્યુના ત્રણ બનાવ

ખંભાળિયા નજીક કાર અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું કરૂણ મૃત્યુ : દ્વારકા નજીક ઈક્કો કારની અડફેટે સ્કૂટર સવાર દંપતિ ખંડિત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા તથા ભાણવડ પંથકમાં શનિવારે સર્જાયેલા ત્રણ અકસ્માતોમાં આશાસ્પદ યુવાન તેમજ બે મહિલાઓના કરુણ મોત નીપજ્યા હતા.

- Advertisement -

ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર કુવાડિયા ગામના પાટીયા પાસેથી શનિવારે સાંજે જી.જે. 10 બી.એફ. 2255 નંબરના મોટરસાયકલ પર બાલવા ગામે ચુનારા યજમાનને ત્યાં બારોટના ચોપડે નામ ચડાવવાનો પ્રસંગ પતાવીને ભાટિયા તરફ જવા નીકળેલા હિરેનભાઈ રસિકભાઈ અંકલેશ્વરીયા (રહે. ઉપલેટા)નામના બારોટ યુવાનના મોટરસાયકલ સાથે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 01 આર.એફ. 7484 નંબરની એક મોટરકારના ચાલકે હિરેનભાઈના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં હિરેનભાઈ અંકલેશ્ર્વરીયાને ગંભીર ઈજાઓ સાથે 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

- Advertisement -

આ બનાવ અંગે મૃતકના પિતા રસિકભાઈ ગોપાલભાઈ અંકલેશ્વરીયા (રહે. ઉપલેટા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે જી.જે. 01 આર.એફ. 7484 નંબરના કાર ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતના અન્ય એક બનાવમાં દ્વારકાથી આશરે 8 કિલોમીટર દૂર શિવરાજપુર ગામ નજીક પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી જી.જે.01 આર.યુ. 9239 નંબરની એક ઈક્કો મોટરકારના ચાલકે આ માર્ગ પરથી પસાર થતા એક જ્યુપિટર મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.

આ જીવલેણ ટક્કરમાં સ્કૂટર પર જઈ રહેલા તરુણાબેન જયદીપભાઈ ચૌહાણ નામની 24 વર્ષની પરિણીત યુવતીને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સ્કૂટર ચાલક મૃતકના પતિ જયદીપકુમાર હાજાભાઈ ચૌહાણ (રહે. સોલાજ, તા. સુત્રાપાડા, જિ. ગિર સોમનાથ) ને પણ નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સમગ્ર બનાવવા અંગે પીજીવીસીએલમાં નોકરી કરતા મૃતકના પતિ જયદીપકુમાર ચૌહાણની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ઈક્કો કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ), 337 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

જામનગરની સાધના કોલોની વિસ્તારમાં રહેતા દીપેનભાઈ અમૃતલાલભાઈ ઢગાઈ નામના 50 વર્ષના યુવાન તથા તેમના પરિવારજનો વેકેશન હોવાથી જી.જે. 3 ઈ.આર. 8295 નંબરની એક સ્વીફ્ટ મોટરકાર લઈને ભાણવડ નજીક આવેલા હાથલા ગામે શનિદેવના મંદિરે દર્શન કરવા માટે શનિવારે સવારે નીકળ્યા હતા.

આ મોટરકાર ચલાવતા તેમના નાનાભાઈ નિલેશભાઈ તેમજ કારમાં જઈ રહેલા દીપેનભાઈના પત્ની રાધિકાબેન, પુત્રી પલક (ઉ.વ. 13), પુત્ર આદિત્ય (ઉ.વ. 11) તથા બેંગ્લોર ખાતે રહેતા તેમના બહેન દક્ષાબેન નલિનકુમાર આસર (ઉ.વ. 49) અને તેમની 20 વર્ષની પુત્રી સ્મિતા સાથેની આ મોટરકાર જ્યારે ભાણવડથી આશરે 14 કિલોમીટર દૂર ધારાગઢ ગામના પાટીયાથી આગળ પહોંચી, ત્યારે કારચાલક નિલેશભાઈએ પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ મોટરકાર રોડની એક સાઇડ ઊતરી અને વીજપોલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી.

આ ગંભીર અકસ્માતમાં શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થવાના કારણે દક્ષાબેન નલિનકુમાર આસરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે દીપેનભાઈ ઢગાઈને સાથળના ભાગે ફેક્ચર તેમજ કારચાલક નિલેશભાઈને ખંભાના ભાગે સામાન્ય ઈજાઓ તથા અન્ય પરિવારજનોને પણ નાની-મોટી ઇજાઓ થવાના કારણે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ દીપેનભાઈ અમૃતલાલભાઈ ઢગાઈની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે કારચાલક નિલેશભાઈ અમૃતલાલભાઈ ઢગાઈ (ઉ.વ. 36) સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular