જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતી યુવતીને છેલ્લાં એક વર્ષથી ત્રણ શખ્સો દ્વારા ધાક-ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય નરાધમોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતી અપરિણીત યુવતીને તેના જ વિસ્તારમાં રહેતાં સમીર ફીરોજ ખીરા, હસન સીદીક ખીરા, ઈરફાન ઉર્ફે લાલો કાસમ ખીરા નામના ત્રણ શખ્સોના સંપર્કમાં આવી હતી અને આ ત્રણેય શખ્સો દ્વારા છેલ્લાં એક વર્ષના સમય દરમિયાન યુવતીને અને તેના પરિવારને ધાક-ધમકી આપી જુદા જુદા સમયે દુષ્કર્મ આચર્યુ હતું. નરાધમોના ત્રાસથી કંટાળીને આખરે યુવતીએ સીટી સી ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એ.આર.ચૌધરી તથા ટીમે ફરિયાદના આધારે ત્રણેય નરાધમોને ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી અદાલતમાં રજૂ કરાતા અદાલતે જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. પોલીસે યુવતીની તબીબી તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.