જામનગરમાં શિક્ષિકાએ ત્રણ શખ્સોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાના કેસમાં અદાલત દ્વારા મૃતકની સ્યુસાઇટ નોટ, સરકાર તરફે થયેલી દલીલો સહિતના મુદાઓ ઘ્યાને લઇ ત્રણેય આરોપીઓને સાત-સાત વર્ષની જેલની સજા ફટકારી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં પંચવટી સોસાયટી શિતલ એપાર્ટમેન્ટમાં રહેતા નુરઝાહબેન ઇબ્રાહીમભાઇ હુંદડા નામની યુવતિના માતા-પિતા અને નાની બહેન કોરોનામાં મૃત્યુ પામ્યા બાદ યુવતિ એકલી જ રહેતી હતી અને સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી તેણીએ વર્ષ 2023માં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જેમાં તેણીએ સ્યુસાઇટ નોટ લખી હતી. આ સ્યુસાઇટ નોટમાં ત્રણ શખ્સોના નામો હોય જેના આધારે શિક્ષિકાના ભાઇ ઇસાકભાઇ હુંદડા દ્વારા અફરોઝ તૈયબ ચમડીયા, રઝાક નુરમામદ સાયચા, અખ્તર અનવર ચમડીયા નામના ત્રણ શખ્સો વિરૂઘ્ધ શિક્ષિકાને આપઘાત માટે મજબુર કર્યાનો ગુન્હો નોંધાયો હતો. પોલીસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી.
View this post on Instagram
આ કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતમાં ફરિયાદ પક્ષે કુલ 24 સાહેદોના નિવેદનો લેવાયા હતાં તેમજ સ્યુસાઇટ નોટના હસ્તાક્ષર સહિતની ચકાસણી સહિતના મુદાઓને ઘ્યાને લઇ અદાલત દ્વારા બન્ને પક્ષોને સાંભળી ત્રણેય આરોપીઓને સાત-સાત વર્ષની જેલ સજા અને રૂપિયા પાંચ-પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.


